પુતિન વિક્રમી બહુમતી સાથે પાંચમીવાર રાષ્ટ્રપ્રમુખ : પીએમ મોદીએ અભિનંદન આપ્યા

March 19, 2024

વ્લાદિમીર પુતિન સતત પાંચમીવાર રશિયાના પ્રમુખ બની ગયા છે. 15-17 માર્ચે થયેલા મતદાનમાં પુતિનને 88 ટકા મત મળ્યા હતા. તેમના વિરોધી નિકોલ ખારિતોનોવને માત્ર 4 ટકા મત મળ્યા હતા. ચૂંટણીમાં હરીફ ઉમેદવારો વ્લાદિસ્લાવ દાવાનકોવ અને લિયોનિદ સ્લટસ્કીને અનક્રમે ત્રીજા અને ચોથા સ્થાને રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિનને અભિનંદન આપતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વ્લાદિમીર પુતિનને રશિયન તરીકે ફરી ચૂંટાઇ આવવા બદલ હાર્દિક અભિનંદન. આવનારા વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ.

પરિણામ જાહેર થયા પછી પુતિને કહ્યું કે રશિયા હવે વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી બનશે. તેમણે રશિયા-નાટો વિવાદ મુદ્દે પણ ચર્ચા કરી અને કહ્યું કે અમેરિકી નેતૃત્વ ધરાવતું સૈન્ય સંગઠન નાટો અને રશિયા આમનેસામને થશે તો વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની એક ડગ જ દૂર રહેશે. મને નથી લાગતું કે કોઇપણ આવું ઇચ્છતું હોય.

પુતિન પહેલીવાર વર્ષ 2000માં પ્રમુખ બન્યા હતા. વર્ષ 2008માં પદ સંભાળ્યું હતું. વર્ષ 2012માં તત્કાલીન પ્રમુખ મેદવેદેવે પોતાના પક્ષને પુતિનને ફરી એકવાર નોમિનેટ કરવા કહ્યું હતું. તે પછી વર્ષ 2012માં ચૂંટણીમાં વિજયી થઇને સત્તામાં પાછા ફર્યા હતા. ત્યારથી માંડીને અત્યારસુધી પુતિન રશિયાનું પ્રમુખપદ સંભાળી રહ્યા છે.