ક્વાડે ચીન-પાકિસ્તાનને આપી ચેતવણી, મુંબઈ આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ

September 22, 2024

ડેલવેર : ભારત સામે અવાર-નવાર કાવતરાં કરનાર ચીન અને પાકિસ્તાનને ક્વાડ દેશોએ મળીને ચેતવણી આપી છે. ક્વાડના સંયુક્ત નિવેદનમાં 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલા અને પઠાણકોટ આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી. નિવેદનમાં કહેવાયું કે, યુએન સિક્યોરિટી કાઉન્સિલના 1276 સેંક્શન કમિટીના માધ્યમથી ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ક્વાડ નેતાઓએ આતંકવાદ અને હિંસક ઉગ્રવાદીઓની ટીકા કરી અને ચારેય દેશોએ મળીને આતંકવાદને ખતમ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
ક્વાડના સંયુક્ત નિવેદનમાં કહેવાયું કે, મુંબઈ આતંકવાદી હુમલા અને પઠાણકોટ હુમલાને લઈને ફરીથી નિંદા કરીએ છીએ. ક્વાડ વર્કિંગ ગ્રુપની બેઠકમાં આતંકવાદીઓની સામે લડવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક ગયા વર્ષે હોનુલુલુમાં થઈ હતી અને આ વખતે નવેમ્બરમાં જાપાનમાં થવાની છે. ભારત હંમેશા પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયા સામે ઉઘાડો કરતું રહે છે.

વળી, આતંકવાદને લઈને ભારતે હંમેશા કડક વલણ દર્શાવ્યું છે. ક્વાડની આ ચોથી બેઠક બાદ રજૂ કરાયેલા વિલમિંગટન ઘોષણાપત્રમાં કહેવાયું હતું કે, 'ક્વાડના નેતા-સ્તરીય પ્રારૂપને ઉન્નત કર્યાના ચાર વર્ષ બાદ આ સમૂહ વ્યૂહાત્મક રીતે પહેલાંથી વધુ મજબૂત થઈ ગયું છે. ક્વાડ એક સારા ઉદ્દેશથી બનાવાયેલું સમૂહ છે, જે ઇન્ડો-પેસિફિક પર વાસ્તવિક, સકારાત્મક અને સ્થાયી પ્રભાવ પાડે છે. અમે આ તથ્યની ઉજવણી કરીએ છીએ કે, ફક્ત ચાર વર્ષમાં ક્વાડ એક મહત્ત્વપૂર્ણ અને સ્થાયી ક્ષેત્રીય સમૂહ બની ગયું છે, જે આગામી ઘણાં દાયકાઓ સુધી ઇન્ડો-પેસિફિકને મજબૂત બનાવશે.'


ક્વાડના સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું કે, 'ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચાર પ્રમુખ સમુદ્રી લોકતાંત્રિક દેશોના રૂપે આપણે આ ગતિશીલ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે ઉભા છીએ, જે સુરક્ષા અને સમૃદ્ધિ માટે અનિવાર્ય છે.' ચીનનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું કે, સમૂહ કોઈપણ અસ્થિરકારી અને એકતરફી કાર્યવાહીનો કડક વિરોધ કરે છે, જે બળ અથવા દબાણ દ્વારા યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરે છે. ચીનનો દક્ષિણ ચીન સાગર અને પૂર્વી ચીન સાગરમાં ઘણા દેશો સાથે વિવાદ છે. તે આખાય દક્ષિણ ચીન સાગર પર પોતાના સાર્વભૌમત્વનો દાવો કરે છે. બીજી બાજુ વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન, બ્રુનેઇ અને તાઇવાન પણ આ ક્ષેત્રમાં પોતપોતાના દાવા કરે છે.