અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં ભારતીયો પર વંશીય હુમલા વધ્યા

November 03, 2025

વોશિંગ્ટન: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા તે બાદથી જ ભારતીયો પર હુમલા વધ્યા છે. ભારતીયો પ્રત્યે વંશીય દ્વેષ રાખીને હત્યાઓ, લૂંટ, મારપીટ સહિતની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. ઓક્ટોબર ૨૦૨૫ સુધી ટ્રોલિંગના મામલાઓમાં ૯૧ ટકાનો વધારો થયો છે. એટલુ જ નહીં વિઝા અને માઇગ્રન્ટ્સ મામલાઓ પર ચર્ચા બાદ નોકરીઓ છીનવાવાની ધમકીઓ પણ વધી છે. હેટ ક્રાઇમ અંગેના તાજેતરના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.  ખુદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝાની ફી વધારીને અને ભારતીયોને પકડી પકડીને ડિપોર્ટ કરવાને પગલે અમેરિકનોને ભારતીયો પ્રત્યે ઉશ્કેર્યા અને વંશીય હુમલા વધવા લાગ્યા. અમેરિકામાં બાઇડેન કાર્યકાળમાં એશિયન નાગરિકો પ્રત્યે નફરત અને હિંસા સામાન્ય રહી જોકે જેવા ટ્રમ્પે સત્તા સંભાળી કે તરત જ ભારતીયો વિરુદ્ધ અમેરિકનો ભડકવા લાગ્યા. વંશીય હુમલા કે નિશાન બનાવવાની ઘટનાઓના આંકડા પર નજર કરીએ તો ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં ટ્રોલિંગના ૪૬૦૦૦ અને ધાક ધમકીઓના ૮૮૪ મામલા નોંધાયા હતા. બાદમાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ આવી ઘટનાઓમાં મોટો ઉછાળો આવ્યો હતો. એટલે કે ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં ટ્રોલિંગના મામલા વધીને બમણા એટલે કે  ૮૮૦૦૦ નોંધાયા હતા. વંશીય ભેદભાવની આ અસર સમગ્ર દક્ષિણ એશિયન નાગરિકો પર પડી રહી છે. સેન્ટર ફોર દ સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝ્ડ હેટની રિપોર્ટ મુજબ ડિસેમ્બરમાં ટ્રમ્પ-મસ્ક-રામાસ્વામી ડિબેટ બાદ વિઝા અને અન્ય મામલાઓમાં વધારો થયો. ખાસ કરીને જે પણ ધાક ધમકીઓ મળી તેમાં ૭૬ ટકા તો નોકરીઓ છીનવી લેવા સાથે જોડાયેલી રહી. આ દરમિયાન ટ્રમ્પ પ્રશાસને એચ-૧બી વિઝાની ફી વધારવા અને ૧૦૪ ભારતીયોને ડિપોર્ટ કરવાના નિર્ણયે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. ટ્રમ્પના આ ભારત વિરોધી નિર્ણયોને કારણે ટેક્સાસ, વર્જીનિયા અને કેલિફોર્નિયામાં ગોળીબાર અને મંદિરો પર હુમલામાં મોટો ઉછાળો આવ્યો હતો. જ્યારે છેલ્લા કેટલાક મહિનાઓમાં વંશીય ભેદભાવને સમર્થન આપતી કે વધારો કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર બહુ જોવા મળી. જોકે આ ટ્રેન્ડ માત્ર ભારતીયો પુરતો જ સિમિત નથી, પરંતુ પુરા દક્ષિણ એશિયન સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. જેનું એક કારણ અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં વિદેશી નાગરિકો પ્રત્યે વધી રહેલી નફરત માનવામાં આવે છે. આ વંશીય ભેદભાવનો ટ્રેન્ડ હવે વિશ્વભરમાં વધી રહેલા જમણેરી રાજકારણનો પણ એક હિસ્સો માનવામાં આવે છે.