રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં એક દલિત પરિવારના ઘરે રસોઈ બનાવી, સાથે જમ્યા

October 08, 2024

કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો, જેમાં તેઓ મહારાષ્ટ્રના કોલ્હાપુરના દલિત સમુદાયના અજય તુકારામ સનદે અને તેમના પત્ની અંજના તુકારામ સનદેના ઘરે તેમની સાથે રસોઈ બનાવતા અને પછી સાથે બેસીને જમતા જોવા મળ્યા હતા.

રાહુલે કહ્યું કે કોંગ્રેસ બહુજનોને તેમનો અધિકાર આપતા બંધારણનું રક્ષણ કરશે. સમાજમાં સૌનો સાચો સમાવેશ અને બરાબરી ત્યારે જ શક્ય બનશે કે જ્યારે દરેક ભારતીય પોતાના દિલમાં ભાઈચારાની ભાવના રાખશે. તેમની સાથે સેવાનિવૃત્ત સરકારી અધિકારી, 'દલિત કિચન ઑફ મરાઠવાડા' પુસ્તકના લેખક શાહૂ પટોલે પણ જોડાયા હતા.

રાહુલે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે દલિત કિચન વિશે આજે પણ બહુ ઓછા લોકો જાણે છે. શાહૂ પટોલેજીએ કહ્યું તેમ દલિત શું ખાય છે તે કોઈ નથી જાણતું. તેઓ શું ખાય છે, શું રાંધે છે અને તેનું સામાજિક મહત્ત્વ શું છે એ જિજ્ઞાસા સાથે મેં અજય તુકારામ સનદેજી અને અંજના તુકારામ સનદેજી સાથે એક બપોર વીતાવી. અમે ભેગા મળીને ચણાનું શાક, હરભ્યાચી ભાજી અને રીંગણ સાથે તુવેરની દાળ બનાવી.