રામદાસ આઠવલે ચોથીવાર કેન્દ્રનાં પ્રધાનમંડળમાં હશે પણ અમારી ગેરંટી નથી: ગડકરી

September 24, 2024

કેન્દ્રનાં માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં એક સમારંભમાં મોદી સરકારમાં મંત્રી રહેલા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાનાં પ્રમુખ રામદાસ આઠવલે પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે ચોથીવાર અમારી સરકાર બનશે કે કેમ તેની ગેરંટી નથી પણ રામદાસ આઠવલે જરૂર મંત્રી બનશે.

કેટલીક સરકારોની કેબિનેટમાં સામેલ રહેલા રામદાસ આઠવલેનાં સંદર્ભમાં ગડકરીએ કહ્યું હતું કે અમારી સરકાર ચોથી વખત સત્તામાં પાછી ફરશે કે કેમ તેની ગેરંટી નથી પણ રામદાસ આઠવલે ચોથી વખત સરકારમાં હશે તેની ગેરંટી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન પાર્ટીનાં પ્રમુખ રામદાસ આઠવલે કેન્દ્રમાં કોઈપણ પક્ષની સરકાર હોય તક જોઈને તે સરકારને ટેકો આપે છે અને પછી પ્રધાનપદની માગણી કરતા હોય છે. ગડકરીએ આરજેડીનાં લાલુપ્રસાદ યાદવને ટાંકીને કહ્યું કે એક વખત લાલુપ્રસાદ યાદવે રામવિલાસ પાસવાનને રાજનીતિનાં મોટા મોસમ વૈજ્ઞાનિક કહ્યા હતા. તેઓ ગમે તે પક્ષની સરકાર રચાય તેને ટેકો આપીને પ્રધાન બનતા. તેવી જ રીતે રામદાસ આઠવલે પણ રાજનીતિનાં ઉતાર ચઢાવનાં જાણકાર છે તેમને કોની સરકાર રચવાની છે તેની ગંધ આવી જાય છે.