નફ્ફટ પાકિસ્તાનની હરકતોનો જડબાતોડ જવાબ આપો :સેના પ્રમુખે કમાન્ડરોને આપી છૂટ

May 12, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 દિવસની કાર્યવાહી બાદ યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. સરહદ પર પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. આ દરમિયાન ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ સેનાના કમાન્ડરોને છૂટ આપી છે કે જો પાકિસ્તાન દ્વારા કોઈ પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવે છે તો પાકિસ્તાનને સંપૂર્ણ તાકાતથી અને તેની જ ભાષામાં જવાબ આપો.

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પશ્ચિમી સરહદના આર્મી કમાન્ડરો સાથે સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે સેનાના કમાન્ડરોને છૂટ આપી છે. અગાઉ ભારતીય વાયુસેનાએ કહ્યું હતું કે અમે ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે. આ ઓપરેશન હજુ પણ ચાલુ છે. સમય આવશે ત્યારે અમે માહિતી આપીશું. વાયુસેનાએ અફવાઓથી બચવા અપીલ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, PM મોદીએ કહ્યું હતું કે, 'કાશ્મીર પર અમારું વલણ ખૂબ જ સ્પષ્ટ છે હવે ફક્ત એક જ મુદ્દો બાકી છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પરત. આ સિવાય બીજું કંઈ નથી. જો તેઓ આતંકવાદીઓને સોંપવાની વાત કરે છે તો આપણે વાત કરી શકીએ છીએ. મારો બીજા કોઈ વિષય પર કોઈ ઇરાદો નથી. અમે નથી ઇચ્છતા કે કોઈ મધ્યસ્થી કરે. સાથે જ અમને કોઈની મધ્યસ્થીની જરૂર નથી.'