RJDએ બંદૂકની અણીએ કોંગ્રેસથી CM કેન્ડીડેટ પદ છીનવ્યું : PM મોદી

November 02, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના નવાદા અને આરામાં ચૂંટણી સભાઓ સંબોધીને વિપક્ષી ગઠબંધન, ખાસ કરીને RJD અને કોંગ્રેસ પર તીવ્ર પ્રહારો કર્યા હતા. સભામાં તેમણે દાવો કર્યો કે, નામાંકન પાછું ખેંચતા પહેલા બિહારમાં ગુંડાગર્દીનો ખેલ ખેલાયો હતો. કોંગ્રેસની ઈચ્છા ન હોવા છતાં સીએમ પદે આરજેડીનું નામ હોય અને આરજેડીએ પણ તક ઝડપી લીધી. જનસભા ગજવતા મોદીએ કહ્યું કે, આરજેડીએ કોંગ્રેસની કાનપટ્ટી પર કટ્ટો રાખીને મુખ્યમંત્રી પદ ચોરી લીધું છે. આરજેડી અને કોંગ્રેસ વચ્ચેનો આંતરિક ઝઘડો વધ્યો છે. ચૂંટણી બંને એકબીજાના માથા ફોડવા લાગશે, તેથી આવા લોકો ક્યારેય બિહારનું ભલું કરી શકે નહીં.’


તેમણે વધુમાં કહ્યું કે, વિકસિત ભારત બનાવવા માટે બિહારનો વિકાસ થવો જરૂરી છે, પરંતુ આરજેડી અને કોંગ્રેસ ક્યારેય બિહારને વિકસિત કરી શક્યા નથી. આ લોકોએ બિહાર પર અનેક વર્ષો સુધી રાજ કર્યું હતું, પરંતુ તેઓએ તમારી સાથે માત્ર વિશ્વાસઘાત કર્યો છે. જ્યાં કટ્ટા અને ક્રૂરતાનું રાજ હોય, ત્યાં કાયદો દમ તોડી નાખે છે. વડાપ્રધાન મોદીએ પ્રજાને કહ્યું કે, બિહાર જંગલરાજ પરત ન આવવું જોઈએ, તેથી ફરી એકવાર એનડીએ સરકાર બનવી જોઈએ. એક તરફ અમારો ચૂંટણી ઢંઢેરો છે, તો બીજીતરફ મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો, તેમના મેનિફેસ્ટોમાં ખોટા વચન અપાયા છે, તે પ્રજા જાણે છે. વિકસિત બિહાર વિકસિત ભારતનો આધાર છે. વિકસિત બિહાર એટલે કે, ઔદ્યોગિક વિકાસ. બિહારના યુવાઓ માટે બિહારમાં જ રોજગારી છે. તમારું સ્વપ્ન પુરુ કરવું, તે જ અમારો સંકલ્પ છે.