Breaking News :

4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો

September 29, 2026

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર ચાર દિવસમાં જ સેન્સેક્સ 2700 કરતાં વધુ અંક તૂટી ગયો છે. આ ભારે ઘટાડાને કારણે રોકાણકારોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે અને બજારનું ચિત્ર ચિંતાજનક બન્યું છે.

છેલ્લા ચાર સત્ર (ટ્રેડિંગ સેશન) દરમિયાન સેન્સેક્સ 2700 અંકથી વધુ ગગડી ગયો છે. આ સમયગાળામાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 483 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 469 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે માત્ર થોડા જ દિવસોમાં રોકાણકારોના અંદાજે 14 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે.

આ અગાઉ ડિસેમ્બર 2025માં સેન્સેક્સે 86,159 ઓલ ટાઈમ હાઈ રહ્યું હતું, જેની સરખામણીમાં બજાર હવે ઘણું નીચું આવી ગયું છે. બીજી તરફ, નિફ્ટી પણ છેલ્લા ચાર સત્રોમાં 23,446ના સ્તરથી ઘટીને 22,569ના સ્તર સુધી આવી ગયો છે અને આ વર્ષ દરમિયાન નિફ્ટી 15 ટકાથી વધુ તૂટી ચૂક્યો છે.

બજારમાં આ નરમાઈ પાછળનું એક મોટું કારણ ક્રૂડ ઓઇલની કિંમતોમાં અચાનક થયેલો ઉછાળો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં ગતિરોધ સર્જાતા બ્રેન્ટ ક્રૂડ વધીને આશરે 106.50 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે. અમેરિકન પ્રમુખ દ્વારા ઈરાનનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવતા વૈશ્વિક સ્તરે ઓઇલની સપ્લાયને લઈને ચિંતાઓ વધી છે.

ભારત વિશ્વના સૌથી મોટા ક્રૂડ આયાતકારોમાં સામેલ હોવાથી, લાંબા સમય સુધી ઓઇલ મોંઘું રહેવાથી દેશનું આયાત બિલ વધશે અને મોંઘવારી તેમજ કંપનીઓના માર્જીન પર સીધી અસર પડશે.

અમેરિકન 10 વર્ષીય ટ્રેઝરી યીલ્ડ 5.2 ટકાથી ઉપર પહોંચી જવી તે પણ ભારતીય શેરબજાર માટે ચિંતાનો વિષય બન્યો છે. ઊંચી બોન્ડ યીલ્ડના કારણે ડોલર આધારિત રોકાણ વધુ આકર્ષક બને છે, જેનાથી ઉભરતા બજારોમાંથી વિદેશી મૂડી બહાર જવા લાગે છે. આ વૈશ્વિક પરિબળોને કારણે વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રહેવાની આશંકા સેવાઈ રહી છે.