મેલબોર્ન પાર્કમાં સબાલેન્કોનો સતત 19મો વિજય, બડોસા સામે સેમિફાઇનલમાં ટકરાશે

January 22, 2025

બેલારુસની આર્યના સબાલેન્કોએ રશિયાની 27મી ક્રમાંકિત એનાસ્તેસિયા પાવલ્યૂચેન્કોને 6-2, 2-6, 6-3થી હરાવીને મેલબોર્ન પાર્ક ખાતે રમાતી ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં સતત 19મો વિજય હાંસલ કર્યો હતો. વધુ બે વિજયની સાથે સબાલેન્કો ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ જીતવાની હેટ્રિક નોંધાવી શકે છે. જો તે ચેમ્પિયન બનશે તો 24 વર્ષ બાદ ટાઇટલની હેટ્રિક નોંધાવનાર પ્રથમ મહિલા ખેલાડી બનશે.

છેલ્લે માર્ટિના હિંગિસે 1997થી 1999માં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ જીતવાની હેટ્રિક નોંધાવી હતી. સબાલેન્કો 2023 અને 2024માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બની ચૂકી છે. સેમિફાઇનલમાં તેનો મુકાબલો 11મી ક્રમાંકિત પાઉલા બડોસા સામે થશે. બડોસાએ ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાની કોકો ગોફને 7-5,6-4થી હરાવીને અપસેટ સર્જ્યો હતો.

બડોસા પાંચ વર્ષ બાદ સેમિફાઇનલ રમનાર પ્રથમ સ્પેનિશ મહિલા ખેલાડી બનશે. છેલ્લે 2020માં ગાર્બિન મુગુરુઝા અંતિમ-4મા પ્રવેશી હતી. સબાલેન્કોએ મેચ જીતવા માટે એક કલાક 53 મિનિટનો સમય લીધો હતો. બે સેટ 1-1થી સરભર રહ્યા બાદ ત્રીજો અને નિર્ણાયક સેટ 3-3થી સરભર હતો ત્યારે સબાલેન્કોએ સતત ત્રણ ગેમ જીતીને મુકાબલો પોતાની તરફેણમાં કરી લીધો હતો.