નવસારીમાં 'સેવન્થ ડે' જેવી ઘટના: SGM સ્કૂલમાં વિદ્યાર્થી પર સહપાઠીઓએ કાતરથી હુમલો કરતા ચકચાર

November 26, 2025

રાજ્યમાં શિક્ષણધામો હવે જાણે રણમેદાન બની રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ગંભીર ઘટના બનતા સહેજમાં રહી ગઈ છે, પરંતુ નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે લોહિયાળ ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. નવસારીની SGM સ્કૂલમાં વિદ્યાર્થીઓ અંદરોઅંદર બાખડ્યા હતા, જેમાં એક વિદ્યાર્થી પર કાતર વડે હુમલો કરાયાનો ગંભીર આરોપ લાગ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીની SGM સ્કૂલમાં અભ્યાસ કરતા એક જ ક્લાસના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. વાત વણસતા બે વિદ્યાર્થીઓએ મળીને તેમના જ વર્ગના અન્ય એક વિદ્યાર્થી પર હુમલો કરી દીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઝઘડા દરમિયાન વિદ્યાર્થી પર કાતર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

કાતરના ઘા વાગવાને કારણે ભોગ બનનાર વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

શાળા સંકુલમાં જ હિંસક ઘટના બની હોવાની જાણ થતાં વાલીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોતાના બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ, કાતરથી હુમલાની વાત વહેતી થતાં સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે. આ ઘટનાએ ફરી એકવાર વિદ્યાર્થીઓમાં વધતી જતી આક્રમકતા સામે લાલ બત્તી ધરી છે.