મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીતથી વિપક્ષ કરતાં અસલ ટેન્શન તો શિંદે અને અજિત પવારને

December 22, 2025

મહારાષ્ટ્રમાં BMC ચૂંટણી પહેલાં યોજાયેલી 288 નગર પરિષદ અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપ 129 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. સત્તાધારી 'મહાયુતિ' ગઠબંધને કુલ 200થી વધુ બેઠકો (ભાજપ 129, શિંદે જૂથ 51, અજીત પવાર જૂથ 33) જીતીને પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. બીજી તરફ, વિપક્ષી મહાવિકાસ અઘાડી(MVA) માત્ર 50 બેઠકોમાં સમેટાઈ ગયું છે, જેમાં કોંગ્રેસને 35 અને ઉદ્ધવ-શરદ પવાર જૂથને ફાળે માત્ર 8-8 બેઠકો આવી છે. આ ચૂંટણી પરિણામે સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે, રાજ્યની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે.  મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કરે છે કે શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ભાજપનું વર્ચસ્વ ઉત્તરોત્તર વધી રહ્યું છે. પાર્ટીએ આ સ્થાનિક જંગને પણ સામાન્ય ચૂંટણીની જેમ પૂરી ગંભીરતાથી લડીને જંગી સફળતા મેળવી છે. આ વિજય ભાજપના 'શતપ્રતિશત ભાજપ'ના એ લાંબાગાળાના વિઝન તરફ સંકેત આપે છે, જેમાં પક્ષ ભવિષ્યમાં કોઈ પણ સાથી પક્ષના ટેકા વગર એકલે હાથે સત્તા મેળવવા માંગે છે. ભાજપે આ વિજયનો શ્રેય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ અને રણનીતિને આપ્યો છે. સાથી પક્ષો સાથેના આંતરિક વિખવાદ અને પડકારો વચ્ચે પણ ગઠબંધનને એકજૂથ રાખી ફડણવીસે 38 રેલીઓ દ્વારા પક્ષને જીત અપાવી છે. ફડણવીસે આ પરિણામોને સુશાસન પર જનતાની મહોર ગણાવી ભાજપને રાજ્યની નંબર-વન પાર્ટી ગણાવી છે, જ્યારે પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે આ સફળતા માટે પીએમ મોદીના નેતૃત્વ અને ફડણવીસના માર્ગદર્શનને શ્રેય આપ્યો છે. મહાયુતિની જીત છતાં ભાજપનું વધતું વર્ચસ્વ શિંદે અને અજીત પવાર જૂથ માટે ચિંતાનો વિષય છે, કારણ કે આનાથી ભવિષ્યમાં તેમના માટે રાજકીય અવકાશ ઘટી શકે છે. બીજી તરફ, મહાવિકાસ અઘાડી(MVA) માટે આ પરિણામો ગંભીર ચેતવણી છે. ખાસ કરીને શિવસેના(UBT) અને શરદ પવાર જૂથના નબળા પ્રદર્શને તેમના કાર્યકર નેટવર્કને હચમચાવી દીધું છે. ત્રણ દાયકાથી જેમના કબજામાં BMC છે તેવા ઉદ્ધવ ઠાકરે જૂથ માટે આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આ આઘાતજનક સંકેત છે.