શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત, ત્રણ સપ્તાહ આરામની સલાહ: સાઉથ આફ્રિકા સામે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો

October 27, 2025

સિડની વનડે મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યર કેચ પકડતાં સમયે ઈજાગ્રસ્ત થઈ જતાં હવે ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ બાદ જ મેદાન પર વાપસી કરી શકશે. 

શનિવારે ઑસ્ટ્રેલિયા સામે સીરિઝની ત્રીજી વનડે મેચમાં અય્યર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. તે સમયે એલેક્સ કેરીનો શૉટ સીધો તેના તરફ આવતા તેણે છલાંગ લગાવી કેચ પકડી લીધો. જોકે આ ચક્કરમાં પાંસળીઓમાં જોરદાર આંચકો વાગ્યો. તાત્કાલિક મેડિકલ ટીમ આવી અને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવાયો. 

PTIના અહેવાલ અનુસાર શ્રેયસ અય્યરને મેચ દરમિયાન જ હોસ્પિટલ લઈ જવાયો હતો અને સ્કેન રિપોર્ટ અનુસાર પાંસળીઓમાં ઈજા પહોંચી છે અને ત્રણ સપ્તાહ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ હેયરલાઈન ફ્રેક્ચર પણ હોઈ શકે છે. સૂત્રો અનુસાર આરામ બાદ શ્રેયસ અય્યરે હવે સેન્ટર ઓફ એક્સીલેન્સમાં રિપોર્ટ કરાવવો પડશે જ્યાં તેની તપાસ થયા બાદ જ તેને ટીમમાં વાપસીની મંજૂરી મળશે. 

શુભમન ગિલને કેપ્ટન બનાવાયા બાદ શ્રેયસ અય્યરને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં શ્રેયસની બેટિંગમાં સ્થિરતા જોવા મળી. જોકે દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ પહેલા તેની ઈજાના કારણે કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટની ચિંતા વધશે. 

નોંધનીય છે કે ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયા માત્ર છેલ્લી મેચ જીતી શકી. છેલ્લી મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ શાનદાર પાર્ટનરશિપ કરી. જેના કારણે ભારતીય ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.