મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્લોટની ફાળવણી કૌભાંડમાં સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR

September 27, 2024

મૈસુર : કર્ણાટકના મુખ્યમંત્રી એમ. સિદ્ધારમૈયાની સામે મૈસુર લોકાયુક્તે FIR નોંધાવી છે. સિદ્ધારમૈયા સામે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્લોટની ફાળવણીના કથિત કૌભાંડના આરોપમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અદાલતે લોકાયુક્તને સિદ્ધારમૈયાની સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ફરિયાદ મૈસુરના લોકાયુક્ત એસપી ઉદેશના નેતૃત્વમાં નોંધવામાં આવી છે. જેના માટે લોકાયુક્ત ડીજીપી મનીષ ખરબીકર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.
અદાલતે સિદ્ધારમૈયા સામે સીઆરપીસીના સેક્શન 156(3) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સિવાય આઈપીસીની ધારા 120B, 166, 403, 420, 426, 465, 468, 340, 351 હેઠળ પણ સિદ્ધારમૈયાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે આ કેસની તપાસ લોકાયુક્ત પોલીસ દ્વારા કરવામાં આવશે. એફઆઈઆરના આધાર પર સિદ્ધારમૈયાને પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવી શકે છે. જણાવી દઈએ કે, લોકાયુક્તની પાસે ધરપકડની શક્તિ પણ હોય છે. એવામાં સિદ્ધારમૈયાની ધરપકડની પણ આશંકા છે. જોકે, તે પહેલાં જ કાયદાના નિષ્ણાંતોની સલાહ પર સિદ્ધારમૈયા આગોતરા જામીન માટે અરજી કરી શકે છે.