સિંગર-એકટર પ્રશાંત તમાંગનું ફક્ત 43 વર્ષની વયે નિધનઃ ચાહકો શોકમાં

January 12, 2026

મુંબઈ: 'ઈન્ડિયન આઈડોલ'થી જાણીતા બનેલા અને બાદમાં તાજેતરમાં 'પાતાલલોક-ટુ'માં  વિલન તરીકે દેખાયેલા પ્રશાંત તમાંગનું આજે ફક્ત ૪૩ વર્ષની નાની વયે દિલ્હીમાં તેના નિવાસસ્થાને અચાનક નિધન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ કાર્ડિયાક એરેસ્ટથી તેનું નિધન થયું હોવાનું કહેવાય છે. મૂળ દાર્જિલિંગના વતની પ્રશાંતનાં અચાનક નિધનથી તેના ચાહકોમાં ભારે  શોકની લાગણી છવાઈ છે. તેના પરિવારમાં પત્ની તથા નાની બાળકીનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર અનેક ચાહકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે સાથે મનોરંજન જગતમાં વધુ એક કલાકારનું નાની વયે નિધન થવા અંગે આઘાત પણ વ્યક્ત કર્યો હતો. દેશમાં હાલ યુવાનોમાં અચાનક કાર્ડિયાક એરેસ્ટથી થઈ રહેલાં નિધન અંગે પણ લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. 'ઈન્ડિયન આઈડોલ થ્રી'નો વિજેતા  પ્રશાંત આજે તેના દિલ્હી ખાતેના નિવાસ્થાને સવારે નવ વાગ્યાના અરસામાં અચાનક બેશુદ્ધ બની ગયો હતો.  તેને તાબડતોબ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, તબીબોએ તે મૃત્યુ પામી ચૂક્યો હોવાનું જાહેર કર્યું હતું.  તેણે નેપાળી અને હિન્દીમાં અનેક ગીતો ગાયાં હતાં. સલમાન ખાનની આગામી ફિલ્મ 'ધી બેટલ ઓફ ગલવાન' માટે તેણે તાજેતરમાં જ શૂટિંગ પૂર્ણ કર્યું હતું. તાજેતરનાં વર્ષોમાં સિદ્ધાર્થ શુક્લા, રાજુ શ્રીવાસ્તવ, શેફાલી જરીવાલા સહિતના કલાકારો પણ બહુ નાની વયે મૃત્યુ પામ્યા હતા. તે પછી અતિશય સ્ટ્રેસથી કલાકારો પર થતી માઠી અસર ચર્ચાનો વિષય બની હતી. બીજી  તરફ દેશમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ૨૦થી ૪૦ વર્ષની વયજૂથમાં અનેક કલાકારો અચાનક કાર્ડિયાક એરેસ્ટેથી મૃત્યુ પામી રહ્યા છે. કેટલાય લોકો કોરોના રસી તે માટે કારણભૂત  હોવાનું માને છે. પરંતુ, હજુ સુધી તે અંગે કોઇ વૈજ્ઞાાનિક પુષ્ટિ થઈ નથી.