કલ્યાણમાં બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતાં 6 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

May 21, 2025

મુંબઈને અડીને આવેલા કલ્યાણમાં એક મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. ઇમારતનો સ્લેબ પડવાથી 6 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યુ છે. સ્લેબ સીધો તૂટી પડતા જ ઇમારતના નીચેના માળે રહેતા લોકો ફસાઈ ગયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને દોઢ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. કાટમાળમાંથી ત્રણ અન્ય ઘાયલોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. એવો અંદાજ છે કે હજુ પણ લગભગ 10 લોકો કાટમાળ નીચે દટાયેલા છે.

ઘટનાને પગલે  નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા હતા. મોતને ભેટેલા ગયેલા નાગરિકોના પરિવારોને જિલ્લા આપત્તિ રાહત ભંડોળમાંથી સહાય પૂરી પાડવા જણાવ્યું હતું. મૃતકોમાં પ્રમિલા સાહુ (58), નમસ્વી શેલાર (1.5), સુનીતા સાહુ (37), સુજાતા પડી (32), સુશીલા ગુજર (78), વ્યંકટ ચવ્હાણ (42) અને ઇજાગ્રસ્તોમાં અરુણા રોહિદાસ ગિરનારાયણ (48), શરવીલ શ્રીકાંત શેલાર (4), વિનાયક મનોજ પાધી (45), યશ ક્ષીરસાગર (13), નિખિલ ખરાત (27), શ્રદ્ધા સાહુ (14)નો સમાવેશ થાય છે.