દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ, ભારે વરસાદનો ખતરો ટળ્યો

December 01, 2025

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું 'દિતવાહ' વાવાઝોડું  હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. આ પરિવર્તનને કારણે, જે જિલ્લાઓ માટે અગાઉ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી ત્યાં હવે રાહત જોવા મળી રહી છે. પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્ર(RMC)ના જણાવ્યા મુજબ, આ સિસ્ટમ તમિલનાડુ-પુડુચેરી કિનારાને સમાંતર પસાર થતાં ધીમે ધીમે નબળી પડી છે. જોકે, રવિવાર સવાર સુધીના 24 કલાકમાં કારાઈકલમાં સૌથી વધુ 19 સેમી વરસાદ નોંધાયો હતો, જ્યારે મયિલાદુથુરાઈ, નાગપટ્ટિનમ, સિર્કાઝી અને તિરુવારુર સહિત ડેલ્ટા વિસ્તારોમાં 12 થી 17 સેમી જેટલો ભારે વરસાદ પડ્યો હતો.

નબળી પડેલી આ સિસ્ટમ સોમવારે સવારે પુડુચેરીથી 110 કિમી દક્ષિણ-પૂર્વ અને ચેન્નઈથી 180 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતી અને તે ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, વાવાઝોડાની તીવ્રતા ઘટવાને કારણે ભારે વરસાદનું જોખમ લગભગ સમાપ્ત થઈ ગયું છે, તેમ છતાં આ સિસ્ટમ કિનારાથી ઓછામાં ઓછા 30 કિલોમીટરના અંતરેથી પસાર થઈ શકે છે.

હવામાન વિભાગે સોમવારે તમિલનાડુ અને પુડુચેરીના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની સંભાવના વ્યક્ત કરી છે, જોકે તિરુવલ્લુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 6 ડિસેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે અને ચેન્નઈ આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન, ગલ્ફ ઑફ મન્નાર, કુમારી સાગર અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં તેજ પવનો ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સખત સલાહ આપવામાં આવી છે.