ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન

September 06, 2026

JMM એ ભાવુક પોસ્ટ દ્વારા આપી શ્રદ્ધાંજલિ, ગિરીડીહથી સતત બીજી વાર બન્યા હતા ધારાસભ્ય


ગિરીડીહ : રવિવારે ગિરીડીહના ધારાસભ્ય અને હેમંત સોરેન સરકારના કેબિનેટ મંત્રી સુદિવ્ય કુમાર સોનુનું અચાનક હૃદયરોગના હુમલા (હાર્ટ એટેક)ના કારણે અવસાન થયું છે. તબિયત લથડતાં તેમને ગિરીડીહની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર ફેલાતાં જ ગિરીડીહથી લઈને સમગ્ર ઝારખંડમાં શોકની લહેર દોડી ગઈ છે. સુદિવ્ય કુમાર સોનુ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ની ટિકિટ પર ગિરીડીહ વિધાનસભા સીટ પરથી સતત બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. સ્થાનિક વિસ્તારમાં તેમની પકડ ખૂબ મજબૂત હતી અને તેઓ જનતા વચ્ચે સતત સક્રિય રહેતા નેતા તરીકે જાણીતા હતા.


રાજકારણમાં તેમની ઓળખ માત્ર એક ધારાસભ્ય પૂરતી સીમિત નહોતી. તેઓ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના અત્યંત નજીકના અને વિશ્વાસુ નેતાઓમાં ગણાતા હતા. હેમંત સોરેન સરકારમાં તેમની પાસે નગર વિકાસ જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ વિભાગની જવાબદારી હતી. આ ઉપરાંત તેઓ યુવા, રમતગમત, કલા અને સંસ્કૃતિ, પ્રવાસન તેમજ ઉચ્ચ અને તકનીકી શિક્ષણ જેવા અનેક મહત્વના મંત્રાલયો પણ સંભાળી રહ્યા હતા. મંત્રીના અચાનક થયેલા અવસાનથી ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને સરકારને મોટો આંચકો લાગ્યો છે. પક્ષે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. JMM એ લખ્યું કે, "જેએમએમ પરિવાર તેમના અકાળ નિધનથી સ્તબ્ધ અને અત્યંત દુઃખી છે." પક્ષે તેમને સમર્પિત સાથી ગણાવતા ઉમેર્યું કે, તેમનું જવું એ પક્ષ, સરકાર અને સમગ્ર ઝારખંડ માટે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ છે.