મહારાષ્ટ્રના DyCM બનવા સુનેત્રા પવાર રાજી! પ્રસ્તાવ સ્વીકાર્યો

January 30, 2026

મુંબઈ ઃ અજિત પવારના અકાળ નિધન બાદ મહારાષ્ટ્રમાં અત્યારે સૌથી મોટો રાજકીય પ્રશ્ન એ છે કે NCPનું ભવિષ્ય શું હશે? NCP તરફથી અજિત પવારની જગ્યાએ આગામી નાયબ મુખ્યમંત્રી કોણ બનશે? શું અજિત પવારના પત્ની સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી બનશે કે પછી બંને NCP જૂથ એક થશે? આ અટકળો વચ્ચે ગુરુવારે (30 જાન્યુઆરી) વરિષ્ઠ નેતાઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ NCPના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે કહ્યું કે, પવાર પરિવારને હજુ થોડો સમય આપવો પડશે. તેમણે ઉમેર્યું કે, અંતિમ નિર્ણય પરિવાર અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથેની ચર્ચાઓ બાદ લેવાશે. નાયબ મુખ્યમંત્રીના પદને ટૂંક સમયમાં જ ભરવામાં આવશે અને અમે જલ્દીથી આ અંગે નિર્ણય લઈશું.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવા માટે સુનેત્રા પવાર રાજી થયા છે. તેમણે પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. જેને લઈને હવે સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનશે તે નક્કી થઈ ચૂક્યું છે. પરંતુ આ અંગે આવતીકાલે યોજાનારી NCP ધારાસભ્ય દળની બેઠકમાં સત્તાવાર નિર્ણય થશે.


મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે મોટી અપડેટ આપી છે. તેમણે કહ્યું કે, 31 જાન્યુઆરીએ થનારી NCP ધારાસભ્ય દળની બેઠકમાં અજિત પવારના પત્ની સુનેત્રા પવારને નેતા તરીકે પસંદ કરાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુનેત્રા પવારનું નાયબ મુખ્યમંત્રી બનવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથેની મુલાકાત બાદ NCP નેતા છગન ભુજબળે જણાવ્યું કે, 'આવતીકાલે શપથગ્રહણ થઈ શકે છે કે કેમ તે અંગે મુખ્યમંત્રીએ કહ્યું છે કે તેમને કોઈ વાંધો નથી, એક-બે કલાકમાં જ અંતિમ નિર્ણય લેવાઈ જશે.'