સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન મુદ્દે પંજાબ-કેન્દ્રને આપી ચેતવણી

December 13, 2024

દિલ્હી : પંજાબ અને હરિયાણાની બોર્ડર પર ખેડૂતો દિલ્હી કૂચ આંદોલન કરીને દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજીતરફ પોલીસ તેમને અટકાવવા માટે ટીયર ગેસના સેલ છોડવા સહિતનો બળપ્રયોગ કરી રહી છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે દેખાવો કરી રહેલા ખેડૂતોને ગાંધીવાદી રીત અપનાવવાની સલાહ આપી છે. કોર્ટે આંદોલનકારી ખેડૂતોને અસ્થાયી વિરોધ પ્રદર્શન અટકાવવા તેમજ રસ્તા પરથી હટી જવાનું કહ્યું છે. આ ઉપરાંત કોર્ટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલના આરોગ્યની પણ ચિંતા કરી છે.


કોર્ટે ખેડૂત નેતા ડલ્લેવાલને તુરંત તબીબી સહાય પુરી પાડવા પંજાબ અને કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે. તેમજ તેમને આમરણાંત ઉપવાસ તોડવા માટે સમજાવવા કહ્યું છે. કોર્ટે સરકારના પ્રતિનિધિઓ તુરંત ડલ્લેવાલ સાથે મુલાકાત કરવા તેમજ તેમના વિરોધને તોડવા માટે કોઈપણ પ્રકારનો બળપ્રયોગ ન કરવાની ચેતવણી આપી છે. ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ 26 નવેમ્બરથી પંજાબ અને હરિયાણા વચ્ચેની ખનૌર બોર્ડર પર આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેઓ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) ગેરંટી આપવા માટે વટહુકમ લાવવા તેમજ ખેડૂતોની અન્ય માંગણીઓ મુદ્દે ઉપવાસ પર બેઠા છે.