ભાજપ સાથે વાત થઈ ગઈ છે, અન્ય નેતાઓને મહત્ત્વ નથી આપતો: અજિત પવાર

January 11, 2026

મુંબઈ ઃ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગઠબંધનનું રાજકારણ તેજ બન્યું છે. એક તરફ જ્યાં ઠાકરે બ્રધર્સ એક થયા છે. ત્યાં NCPમાં કાકા ભત્રીજા એક થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. એવામાં અજિત પવારે અટકળો પર મોટું નિવેદન આપતા કહ્યું છે, કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી. 

અજિત પવારે કહ્યું, કે પૂણેના ઘણા કાર્યકરોનું માનવું છે કે જો બંને NCP એક થઈ જાય તો રાજકીય રૂપે ફાયદો થશે અને મતો વહેંચાશે નહીં. આ મામલે મેં સુપ્રિયા સુલે અને શશિકાંત શિંદે સાથે પણ ફોન પર વાત કરી હતી અને સામા પક્ષે પણ સકારાત્મક જવાબ મળ્યો છે. શરદ પવારની NCPના ધારાસભ્યો અને સાંસદો મને મળવા આવે ત્યારે પણ તેઓ કહે છે કે હવે બંને પક્ષો એ એક થઈ જવું જોઈએ. 

અજિત પવારે વધુમાં કહ્યું, કે પહેલા તો વિપક્ષમાં બેઠેલા સાંસદો અને ધારાસભ્યોના પણ કામ થઈ જતાં હતા. પણ હવે સ્થિતિ અલગ છે. વિપક્ષમાં બેઠા બેઠા નેતાઓ પરેશાન થઈ જાય છે. બંને NCP એક થાય તે માટે હજુ સુધી કોઈ અંતિમ ચર્ચા નથી થઈ.  મહારાષ્ટ્રમાં અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ પક્ષોએ ગઠબંધન કર્યા છે. જેના પર કટાક્ષ કરતાં અજિત પવારે કહ્યું, કે રાજ્યના 29 નગર નિગમમાં અલગ અલગ સમીકરણ જોવા મળી રહ્યા છે. કોઈ એક પક્ષે તો AIMIM સાથે ગઠબંધન કરી લીધું. ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે જવાબ આપતા પવારે કહ્યું, કે મેં પણ આવી ચર્ચાઓ સાંભળી છે જેમાં મારું નામ લેવામાં આવે છે. પણ મેં રાજ્ય અને કેન્દ્રના હાઈકમાન્ડ સાથે આ મુદ્દે વાત કરી લીધી છે. તેથી અન્ય નેતાઓની વાતને મહત્ત્વ નથી આપતો.