ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?

September 22, 2026

અમેરિકામાં રશિયન ઓઇલ આયાત મુદ્દે ભારત પર 100 ટકા સુધીના ટૅરિફ લગાવવાના બિલ પર ચર્ચા ચાલી રહી છે, ત્યારે વૈશ્વિક નાણાકીય જાયન્ટ જેપી મોર્ગનના ચેરમેન અને સીઈઓ જેમી ડિમોને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ચેતવણી આપી છે. મુંબઈમાં આયોજિત જેપી મોર્ગન ઇન્ડિયા ઇન્વેસ્ટર કોન્ફરન્સ દરમિયાન જેમી ડિમોને સ્પષ્ટપણે જણાવ્યું કે અમેરિકાએ રશિયાના ઓઇલ પર કોઈ પણ નવો ટૅરિફ કે પ્રતિબંધ લાદતાં પહેલાં તેની ભારત અને વૈશ્વિક ક્રૂડ ઓઇલ માર્કેટ પર શું ગંભીર અસર થશે તે સમજવું ખૂબ જરૂરી છે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે તેઓ રશિયન ઓઇલ પર કોઈપણ પ્રકારનો ટૅરિફ લાદવાના પક્ષમાં બિલકુલ નથી. રશિયા પર દબાણ લાવવાના પ્રયાસમાં અમેરિકાએ એવો માર્ગ ન પકડવો જોઈએ જેનાથી ભારત અને સમગ્ર વિશ્વના ઊર્જા બજારમાં મોટું સંકટ સર્જાય અને ઓઇલ મોંઘા થવાનું બિલ બાકીની દુનિયાએ ચૂકવવું પડે. જેમી ડિમોને આ સમગ્ર ઘટનાક્રમ પાછળનું ટેકનિકલ ગણિત સમજાવતાં જણાવ્યું કે આ મુદ્દો માત્ર ભારત દ્વારા રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદવા પૂરતો મર્યાદિત નથી. આ પાછળનું મુખ્ય કારણ રિફાઇનરી માળખું છે. ભારતની ઓઇલ રિફાઇનરીઓ વિવિધ પ્રકારના ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા મુજબ ખાસ ડિઝાઇન કરવામાં આવેલી હોય છે. દરેક રિફાઇનરી દરેક પ્રકારના કાચા ઓઇલને એકસરખી રીતે રિફાઇન કરી શકતી નથી. જેમી ડિમોને ભારપૂર્વક કહ્યું: "જો ભારત રશિયા પાસેથી આ ઓઇલ ખરીદવાનું બંધ કરી દેશે, તો તેણે જરૂરિયાત પૂરી કરવા બીજે ક્યાંકથી ક્રૂડ ખરીદવું પડશે. પરંતુ બજારમાંથી મળનારું અન્ય ઓઇલ ભારતીય રિફાઇનરીઓ માટે એ જ રીતે અનુકૂળ હોય તે બિલકુલ જરૂરી નથી." આ સંજોગોમાં જો અમેરિકા માત્ર એટલું જ વિચારે કે ભારત રશિયન ઓઇલ લેવાનું બંધ કરી દે, તો મોટો સવાલ ઊભો થશે કે ભારત કયું ઓઇલ ખરીદશે અને તે નવા ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમત કેટલી આસમાને પહોંચશે. જેમી ડિમોને ગ્લોબલ સપ્લાય ચેઇનના ગણિતની સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે, તો રશિયન ઓઇલ કાયમ માટે દુનિયામાંથી ગાયબ નહીં થઈ જાય, પરંતુ તે કોઈ અન્ય માર્કેટમાં ડાયવર્ટ થઈ જશે. બીજી તરફ ભારત જેવા વિશાળ ઓઇલ આયાતકાર દેશે પોતાની રિફાઇનરીઓ ચાલુ રાખવા માટે વિશ્વના અન્ય બજારોમાંથી મોટા પાયે ઓઇલ ખરીદવું પડશે. ખરીદદાર બદલાઈ શકે છે અને પરિવહનનો માર્ગ બદલાઈ શકે છે, પરંતુ ક્રૂડની કુલ વૈશ્વિક માંગ તો ત્યાં જ રહેશે. પરિણામે વૈશ્વિક બજારમાં માંગનું ભારે દબાણ ઊભું થશે અને ઓઇલના વૈશ્વિક ભાવોમાં અચાનક મોટો ઉછાળો આવી જશે, જે આખરે સમગ્ર વિશ્વના અર્થતંત્ર માટે નવું સંકટ બનશે. જેમી ડિમોને સ્પષ્ટ કર્યું કે તેમનો ઇરાદો રશિયા પર પગલાં ન લેવાનો નથી. તેમણે સ્વીકાર્યું કે અમેરિકાએ યુક્રેનની મદદ માટે વધુ સક્રિય કદમ ઉઠાવવા જોઈએ અને રશિયા સામે કડક વલણ રાખવું જોઈએ, પરંતુ તેમનો વાંધો પગલાં ભરવાની પદ્ધતિ અને તેની આડઅસરો સામે છે. જેમી ડિમોનના મતે અમેરિકાએ ભારત સાથે બેસીને વિચારવિમર્શ કરવો જોઈએ કે પ્રતિબંધો કે ટૅરિફ ક્યાં અને કેવી રીતે લાગુ કરી શકાય. રશિયાને દબાવવાની લહાયમાં ભારતની વિશાળ રિફાઇનિંગ ઇન્ડસ્ટ્રી અને ગ્લોબલ એનર્જી માર્કેટને મોટો આંચકો ન લાગવો જોઈએ.