ટેક ઓફ કરતાં જ ટ્રમ્પના વિમાન એર ફોર્સ વનમાં ટેકનિકલ ખામી! પાછા વોશિંગ્ટન આવવું પડ્યું

January 21, 2026

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ખાસ વિમાન 'એર ફોર્સ વન' મંગળવારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ જવા રવાના થયું હતું, જ્યાં તેઓ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF)માં ભાગ લેવાના હતા. પરંતુ ટેકઓફ કર્યાની થોડી જ વારમાં વિમાનને અધવચ્ચેથી પરત મેરીલેન્ડના જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પર લાવવું પડ્યું હતું. વિમાન પાછું વાળવા પાછળનું કારણ ઉડાન દરમિયાન આવેલી કોઈ ટેકનિકલ ખામી હોવાનું જણાવાયું છે.

ક્રૂ મેમ્બર્સના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 11:00 વાગ્યે એર ફોર્સ વન પરત બેઝ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. ઉડાન દરમિયાન વિમાનમાં એક નાની એવી ઇલેક્ટ્રિકલ સમસ્યા જોવા મળી હતી, જેના કારણે સાવચેતીના ભાગરૂપે વિમાનને પાછું ઉતારવાનો નિર્ણય લેવાયો હતો. વિમાનમાં હાજર રિપોર્ટરોના જણાવ્યા મુજબ, ઉડાન દરમિયાન પ્રેસ કેબિનની લાઈટો પણ થોડીવાર માટે ગુલ થઈ ગઈ હતી. 

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે, ટેકઓફના તરત બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી કોઈ જોખમ ન રહે. ટ્રમ્પની આ યાત્રા રદ કરવામાં આવી નથી, માત્ર વિમાન બદલીને તેઓ ફરીથી સ્વિટ્ઝર્લેન્ડ જવા રવાના થશે. વર્ષ 2020 પછી ટ્રમ્પ પ્રથમ વખત રૂબરૂ આ બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે અને તેમની સાથે અમેરિકાનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ પણ જોડાશે.