ભારતમાં T20 વર્લ્ડકપ નહીં રમો તો હકાલપટ્ટી કરીશું... ICCનું બાંગ્લાદેશને છેલ્લુ અલ્ટીમેટમ

January 21, 2026

ભારતમાં સાતમી ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડકપ-2026ની શરૂઆત થવાની છે. જોકે તે પહાલ બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઈન્કાર કરીને શ્રીલંકામાં તેની મેચો યોજવાની માંગ કરી છે. હવે આ મામલે આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ઝટકો આપ્યો છે. આઈસીસીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે, જો બાંગ્લાદેશે ટી20 વર્લ્ડકપમાં ભારતમાં યોજાનાર મેચો ન રમવી હોય તો તેને બહાર થવું પડશે. આ સાથે ICCએ બાંગ્લાદેશને છેલ્લું અલ્ટીમેટમ આપી દીધું છે. 

વાસ્તવમાં બાંગ્લાદેશની ટી20 વર્લ્ડકપની માંગને લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આજે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને સ્પષ્ટ કહ્યું છે કે, જો બાંગ્લાદેશ જિદ નહીં છોડે, નહીં તો તેનું ટી20 વર્લ્ડકપમાંથી પત્તું કમાઈ જશે.

બેઠકમાં બાંગ્લાદેશે દલીલ કરી છે કે, આ નિર્ણય અમારી સરકાર કરશે. દલીલ પર ICCએ તેને કહ્યું કે, ‘તમે તમારી સરકારને આઈસીસીનો નિર્ણય કહી દો કે, તેમની ટીમે ભારતમાં જ રમવું પડશે, નહીં તો ટીમે વર્લ્ડકપમાંથી બહાર થવું પડશે.’

બેઠકમાં ભાગ લેનાર તમામ સભ્યોએ બાંગ્લાદેશને આપ્યો ઝટકો

આઈસીસીએ બાંગ્લાદેશની માંગ પર ચર્ચા કરવા માટે જે બેઠક બોલાવી હતી, જેમાં વોટિંગની નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં મોટાભાગના સભ્યોએ મત વ્યક્ત કર્યો છે કે, ‘બાંગ્લાદેશે ભારતમાં જ મેચો રમવી પડશે. બેઠકમાં તમામે સ્પષ્ટ કહ્યું છે કે, જો બાંગ્લાદેશ આનાકાની કરશે તો તેના સ્થાને અન્ય ટીમને તક આપવામાં આવશે.’

ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને એક દિવસનો સમય આપ્યો છે. આઈસીસીએ કહ્યું છે કે, બીસીબી પોતાની સરકાર પૂછી લે અને પછી આઈસીસીને જાણ કરે કે, તેઓ વર્લ્ડકપના નિર્ધારીત શેડ્યૂલ મુજબ રમવા તૈયાર છે કે નહીં. જો બાંગ્લાદેશ હજુ પણ આઈસીસીનો નિર્ણય નહીં માને તો તે વર્લ્ડકપમાં નહીં રમી શકે, જેના કારણે તેને હટાવીને અન્ય ટીમને ગ્રુપ-સીમાં સ્થાન અપાશે.

આ બેઠક પહેલા ઢાકામાં આઈસીસીની બેઠક યોજાઈ હતી, જેમાં બીસીબીને 21 જાન્યુઆરીનું અલ્ટીમેટમ અપાયું હતું. 

બાંગ્લાદેશે સુરક્ષાની ચિંતાનું બહાનું બતાવ્યું

બાંગ્લાદેશે સુરક્ષાની ચિંતાનું બહાનું બતાવી ટી20 વર્લ્ડકપ-2026 માટે ભારતમાં રમવાનો ઈન્કાર કરી રહી છે. બીસીબીએ આઈસીસી સમક્ષ માંગ મૂકી હતી કે, તે ભારતના બદલે શ્રીલંકા અથવા પાકિસ્તાનમાં રમવા માંગે છે, તેની તેની મેચો આ બે દેશોમાં શિફ્ટ કરવામાં આવે. ત્યારબાદ આઈસીસીએ બીસીબીની માંગનો અસ્વિકાર કર્યો છે અને કહ્યું છે કે, મેચો શિફ્ટ નહીં થઈ શકે.

મીડિયા રિપોર્ટ મુજબ, જો ટી20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશ આઉટ થઈ જશે તો, આઈસીસી તેના સ્થાને સ્કોટલેન્ડને ટુર્નામેન્ટ રમવા માટે બોલાવી શકે છે. આઈસીસી ટી20 રેન્કિંગમાં સ્કોટલેન્ડ 14માં સ્થાને છે. જ્યારે સ્કોટલેન્ડે હજુ સુધી વર્લ્ડકપમાં ભાગ લીધો નથી.

ટી20 વર્લ્ડકપના નિર્ધારીત શેડ્યૂલ મુજબ બાંગ્લાદેશની પ્રથમ મેચ સાતમી ફેબ્રુઆરીએ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાવાની છે. ત્યારબાદ 9મી ફેબ્રુઆરીએ ઈટાલી સામે, 14 ફેબ્રુઆરીએ ઈંગ્લેડ અને 17 ફેબ્રુઆરીએ નેપાળ સાથે મેચ રમવાની છે. બાંગ્લાદેશની મોટાભાગી મેચો કોલકાતામાં રમાવાની છે.