મહીસાગરના ખાનપુરમાં હડકાયા શ્વાનનો આતંક, છ લોકો અને બે પશુને બચકા ભર્યાં

January 19, 2025

મહીસાગર : મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં, એક જ દિવસમાં હડકાયા શ્વાને છ લોકોને બચકાં ભરતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે. હાલ, ભોગ બનનારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત તો એ હતી કે સ્થાનિક સરકારી દવાખાનામાં શ્વાન કરડે ત્યારે આપવામાં આવતું ઈન્જેક્શન હતું જ નહીં, જેથી ઘાયલોને ગોધરા સિવિલમાં લઈ જવાની ફરજ પડી હતી. બીજી તરફ રખડતા શ્વાનોને લઈને યોગ્ય કાર્યવાહી ન કરવા મુદ્દે ગ્રામજનોએ સ્થાનિક તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. 
ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. જેમાં એક જ દિવસમાં આ હડકાયા શ્વાસે શાળાના બાળકો તેમજ ઘરકામ કરતી મહિલા સહિત 6 લોકો અને બે પશુઓને બચકાં ભર્યા હતાં. શ્વાનના કરડવાથી તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે, ત્યાં રસી ન મળતાં તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.