રસોઈયાને પગાર ન મળતા ઠાકોરજીને ભોગ ન ધરાવાયો; વૃંદાવનમાં સેંકડો વર્ષ જૂની પરંપરા તૂટી

December 16, 2025

વૃંદાવનના સુપ્રસિદ્ધ શ્રી ઠાકુર બાંકે બિહારી મંદિરમાં સોમવારે એક અભૂતપૂર્વ ઘટના બની, જેના કારણે વર્ષોથી ચાલી આવતી પરંપરા તૂટી ગઈ. રસોઈયાને પગારની ચૂકવણી ન થવાના કારણે ભોગ તૈયાર ન થતાં ઠાકુરજીને પહેલીવાર ભોગ ધરવામાં ન આવ્યો. આ ઘટનાથી મંદિરના ગોસ્વામીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, 

મંદિરની વ્યવસ્થા સંભાળતી હાઇ પાવર કમિટી આ મામલે પોતાનો હાથ ખંખેરવાનો પ્રયાસ કરી રહી છે. દેશ-વિદેશમાંથી દરરોજ લાખો શ્રદ્ધાળુઓ શ્રી ઠાકુર બાંકે બિહારીના દર્શન કરવા આવે છે. મંદિરમાં ઠાકુરજીને સવારે બાળ ભોગ અને સાંજે શયન ભોગ અર્પણ કરવાની પરંપરા છે. પરંતુ સોમવારે આ બંને ભોગ ઠાકુરજીને ન લાગતા ભક્તોએ તેમને ભોગ વિના જ દર્શન કર્યા હતા.

શ્રી ઠાકુર બાંકે બિહારી મંદિરની વ્યવસ્થાઓ માટે સુપ્રીમ કોર્ટે એક હાઇ પાવર કમિટીની રચના કરી છે. આ કમિટી હેઠળ ઠાકુરજીના પ્રસાદ અને ભોગની સામગ્રી તૈયાર કરવા માટે રસોઈયાની નિમણૂક કરવામાં આવી છે. રસોઈયાને દર મહિને રૂ.80,000 પગાર આપવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેને પગાર ચૂકવવામાં આવ્યો નહોતો. આ કારણે રસોઈયાએ ઠાકુરજી માટે બાળ ભોગ અને શયન ભોગ તૈયાર ન કર્યો.