ન્યૂયોર્કમાં સ્પ્રિંગ સ્ટ્રીટ સ્ટેશન પર ટ્રેકમાં બેઠેલા ભારતીય મૂળના યુવક-યુવતીનાં મોત, પોલીસની તપાસ શરૂ

September 15, 2026

ન્યૂયોર્ક શહેરના સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર રવિવારે વહેલી સવારે ભારતીય મૂળના 2 યુવાનો ટ્રેનની અડફેટે આવી જતાં મૃત્યુ પામ્યા હતા. 24 વર્ષીય મલ્લિકા ચિત્રે અને નવમ કૌલ ડાઉનટાઉન મેનહટ્ટનના સ્ટેશનના ટ્રેક પર હતા ત્યારે આશરે 3:15 વાગ્યે નંબર 4 ટ્રેન તેમની તરફ આવી હતી. અકસ્માત પહેલાં બંને પાટા પર બેઠેલા જોવા મળ્યા હતા.

ટ્રેન ઓપરેટરે અધિકારીઓને જણાવ્યું હતું કે તેણે બંનેને પાટા પર બેઠેલા જોયા હતા અને ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલ મુજબ, ટ્રેન અથડાય તે પહેલાં યુવતી હસી રહી હતી અને યુવકને પોતાની તરફ ખેંચતી જોવા મળી હતી. ઓપરેટરે ઇમરજન્સી બ્રેક લગાવી હતી, પરંતુ ટ્રેન સમયસર રોકાઈ શકી નહોતી.

અમન્યૂયોર્કના અહેવાલ પ્રમાણે, ઘટનાસ્થળે પહોંચેલા બચાવ દળને બંને ટ્રેન નીચે ફસાયેલા મળ્યા હતા અને ત્યાં જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, તપાસકર્તાઓ એ બાબતની પણ તપાસ કરી રહ્યા છે કે બંને એટલા નશામાં હતા કે નહીં કે તેમને પોતાની તરફ આવતી ટ્રેનના જોખમનો અંદાજ ન આવ્યો હોય.

મલ્લિકા ચિત્રે અને નવમ કૌલ લાંબા સમયથી મિત્રો હતા અને બંનેએ આ જ વર્ષે 2024માં ન્યૂ જર્સીની રટગર્સ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એક અહેવાલ મુજબ, ન્યૂયોર્ક પોલીસ વિભાગે કેસમાં હજુ વધારાની માહિતી જાહેર કરી નથી અને સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.