ફ્રાન્સના નેતાએ 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી' પાછું માંગ્યું, અમેરિકાએ આપ્યો જોરદાર જવાબ

March 18, 2025

તાજેતરમાં જ ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી' પરત કરવાની માંગ કરી છે, જે 1886માં ફ્રાન્સ દ્વારા અમેરિકાને ભેટ તરીકે આપવામાં આવી હતી. આ પ્રતિમા ન્યુયોર્ક સિટીમાં હડસન નદીના કાંઠે અમેરિકાના સ્વતંત્રતા અને લોકશાહીના આદર્શોના પ્રતીક તરીકે સેવા આપે છે. આ માંગ પર પ્રતિક્રિયા આપતા અમેરિકાએ આકરો જવાબ આપ્યો છે અને આ વિવાદમાં ઐતિહાસિક સંદર્ભ ઉમેરીને કહ્યું છે કે, 'જો અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં ફ્રાન્સની મદદ ન કરી હોત તો આજે ફ્રેન્ચ લોકો જર્મન ભાષા બોલતા હોત.' વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવિટે આ મામલે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું, 'બિલકુલ નહીં. ફ્રેન્ચ નેતાએ યાદ રાખવું જોઈએ કે જો આજે ફ્રાન્સમાં લોકો જર્મન નથી બોલતા, તો તેની પાછળ એકલું અમેરિકા હતું.' બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ નાઝી જર્મનીથી ફ્રાન્સને આઝાદ કરાવ્યું હતું તે સમયના ઐતિહાસિક સંદર્ભને ધ્યાનમાં રાખીને લેવિટે આ નિવેદન કર્યું હતું.  કેરોલિન લેવિટે કહ્યું હતું કે, 'અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં ફ્રાંસને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને જો અમે મદદ ન કરી હોત તો ફ્રાન્સ આજે ન માત્ર યુદ્ધ હારી ગયું હોત, પરંતુ તેની સંસ્કૃતિ અને ભાષા પણ જર્મન પ્રભાવ હેઠળ હોત.' આ પ્રતિભાવ યુ.એસ.ના મજબૂત પ્રતિસાદનો એક ભાગ હતો, જે ફ્રાન્સને યાદ અપાવતો હતો કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી એક ભેટ હતી, અને તેને પરત માંગવાને બદલે, ફ્રાન્સે યુએસનો આભાર માનવો જોઈએ. આ વિવાદ બીજા વિશ્વયુદ્ધનો છે, જ્યારે નાઝી જર્મનીએ યુરોપના મોટા ભાગ પર કબજો જમાવ્યો હતો. 1940માં, જર્મન દળોએ ફ્રાન્સ પર આક્રમણ કર્યું અને પેરિસ સહિત દેશના મોટા ભાગ પર કબજો કર્યો. ફ્રેન્ચ સૈન્યએ નાઝી જર્મની સમક્ષ આત્મસમર્પણ કર્યું અને જર્મન દળોએ ફ્રાન્સના મોટા ભાગ પર કબજો જમાવ્યો. તે સમયે ફ્રાન્સમાં સહયોગી સરકારની સ્થાપના કરવામાં આવી હતી, જેને જર્મની દ્વારા ટેકો મળ્યો હતો.  અમેરિકાએ ફ્રાન્સને નાઝી જર્મનીથી આઝાદ કરાવવા માટે તેના સૈનિકોનું બલિદાન આપ્યું હતું, જેના પરિણામે ફ્રાન્સને આઝાદી મળી હતી. આ ઘટના માત્ર ફ્રેન્ચ સ્વતંત્રતા માટે જ મહત્ત્વપૂર્ણ ન હતી, પરંતુ તેણે અમેરિકન અને ફ્રેન્ચ વચ્ચે સંબંધો સારા બનાવ્યા હતા. આ ઘટના ત્યારે બની છે જ્યારે યુએસ અને યુરોપ વચ્ચેના સંબંધો વણસેલા છે, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી. ટ્રમ્પના સમયમાં અમેરિકાએ યુરોપિયન દેશો સામે અનેક આર્થિક પગલાં લીધા હતા, જેમાં ટેરિફમાં વધારો થયો હતો, જેના કારણે અમેરિકા અને યુરોપ વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો હતો.