દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો

September 27, 2026

દિલ્હી- આમ આદમી પાર્ટીએ દિલ્હી સરકારમાં મંત્રી પ્રવેશ વર્મા પર ગંભીર આરોપ લગાવ્યો છે. AAPના દાવા મુજબ તિલક નગરમાં રોડનું નિરીક્ષણ કરવા આવેલા PWD મંત્રી પ્રવેશ વર્માએ વીડિયો રેકોર્ડ કરી રહેલા એક વ્યક્તિને થપ્પડ મારી દીધી. આમ આદમી પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વીડિયો શેર પણ કર્યો છે. અરવિંદ કેજરીવાલે આ વીડિયોને રિપોસ્ટ કર્યો છે, તેમાં લખ્યું છે કે-'મંત્રીની ધરપકડ કરો, હું કાલે ત્યાં જઈશ'

આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે દિલ્હી સરકારમાં મંત્રી પ્રવેશ વર્માનો રોડનો ભ્રષ્ટાચાર જેવો ખુલ્લો પડ્યો, તેઓ યુવાનોને જાહેરમાં થપ્પડ મારીને ગુંડાગીરી પર ઉતરી આવ્યા. એક બીજા ટ્વીટમાં AAP એ કહ્યું કે જ્યારે PWD મંત્રી પ્રવેશ વર્માનું રોડ કૌભાંડ સ્થાનિક જનતાએ કેમેરા પર એક્સપોઝ કરી દીધું તો ડરમાં મંત્રીજીએ એક સ્થાનિક યુવાનને જ થપ્પડ જડી દીધી. લાગે છે કે તેમણે GenZની તાકાતનો હજુ સુધી અહેસાસ નથી થયો.

આપ નેતાઓએ પ્રવેશ વર્મા દ્વારા યુવકને થપ્પડ મારવા પર તેમને ઘેરી લીધા છે. આપ નેતા સૌરભ ભારદ્વાજે વીડિયો પર કહ્યું કે આ ઘટનાથી પ્રવેશ વર્માએ પોતાની કાયરતા અને હલકાપણું આખી દુનિયાને બતાવી દીધું છે. તેમના વિભાગ દ્વારા તિલક નગરમાં હલકી ગુણવત્તાવાળો રોડ બનાવવામાં આવ્યો, જેના વીડિયો સતત સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે. રોડ જોવા માટે તેઓ આજે જાતે ત્યાં આવ્યા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યને કહ્યું કે તમે આ રોડને હાથથી તોડીને બતાવો, કેવી રીતે ગુણવત્તા ખરાબ છે. જ્યારે અમારા ધારાસભ્ય અને સ્થાનિક લોકોએ હાથથી ડામરના રોડને તોડીને બતાવી દીધું કે રોડ અત્યંત હલકી ગુણવત્તાનો બન્યો છે, તો પ્રવેશ વર્મા પાસે કોઈ જવાબ ન હતો અને જે છોકરો વીડિયો બનાવી રહ્યો હતો, તેને થપ્પડ મારી દીધી.