USમાં 20 વર્ષીય ભારતીય સ્ટુડન્ટના મોતનું રહસ્ય ગુંચવાયુંઃ પરિવારે મર્ડરનો આરોપ મૂક્યો

March 19, 2024

 ભારતથી મોટા સપના લઈને અમેરિકા ગયેલા એક સ્ટુડન્ટનું મોત થયા પછી તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. 20 વર્ષીય અભિજિત આંધ્રપ્રદેશના ગંટુરનનો રહેવાસી હતો અને બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો કોર્સ કરવા માટે ગયો હતો. અઠવાડિયા અગાઉ તેનો મૃતદેહ મળી આવ્યા પછી અભિજિત પરુચુરુનો પરિવાર માને છે કે તેમના પુત્રનું મર્ડર કરવામાં આવ્યું હતું. જ્યારે અમેરિકન પોલીસ કહે છે કે આમાં કોઈ ક્રાઈમનો એન્ગલ નથી.

અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે અભિજિત બોસ્ટન યુનિવર્સિટીમાં ભણતો હતો. તેના માતાપિતાના નામ પરુચુરી ચક્રધર અને શ્રીલક્ષ્મી બોરુના છે. અભિજિતના માતાપિતાનું કહેવું છે કે 11 માર્ચે યુનિવર્સિટીના કેમ્પસમાં જ તેના પુત્રની અજાણ્યા લોકોએ હત્યા કરી હતી. ત્યાર બાદ હત્યારાઓ તેનો મૃતદેહ જંગલમાં એક કારમાં છોડીને ભાગી ગયા હતા. અભિજિત તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો. શરૂઆતમાં તેનો પરિવાર તેને અમેરિકા મોકલવા માગતો ન હતો. પરંતુ અભિજિતે પોતાના ભવિષ્ય માટે ગમે તેમ અમેરિકા જઈને ડિગ્રી મેળવવાનો નિર્ણય લીધો હતો.

શરૂઆતમાં એવા અહેવાલ આવ્યા હતા કે અભિજિતને તેની પાસેના ડોલર અને લેપટોપના કારણે મારી નાખવામાં આવ્યો હોય તેવી શક્યતા છે. અમેરિકામાં થોડા ડોલર કે લેપટોપ, આઈફોન વગેરે ચીજો માટે ઘણી વખત હત્યા થઈ જતી હોય છે. આ ઉપરાંત ભારતીય વિદ્યાર્થીને યુનિવર્સિટીમાં બીજા કોઈ વિદ્યાર્થીઓ સાથે ઝઘડો થયો હોય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી હતી. પરંતુ પોલીસને આ બેમાંથી કોઈ પણ શક્યતા લાગતી નથી.