સુપ્રીમકોર્ટનો મોટો નિર્ણય, 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 30 અઠવાડિયાનો ગર્ભ દૂર કરવા મંજૂરી આપી

April 22, 2024

સુપ્રીમકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરતાં 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 30 અઠવાડિયાનો ગર્ભ દૂર કરવા માટે મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્રની દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાત કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર 19 એપ્રિલે કોર્ટે તાત્કાલિક સુનાવણી કરી પીડિતાનો મેડિકલ તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. આ મામલે સગીરાની માતાએ અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 4 એપ્રિલે બોમ્બે હાઈકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી ન હતી. આ પછી બાળકીની માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે સુનાવણી CJI ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો અને સગીરાનું મેડિકલ ચેકઅપ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે IPCની કલમ 376 અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. CJI ચંદ્રચુડની ખંડપીઠે છેલ્લી સુનાવણીમાં કહ્યું હતું કે જાતીય શોષણ અંગે બોમ્બે હાઈકોર્ટે જે મેડિકલ રિપોર્ટને આધાર બનાવેલો તે સગીર પીડિતાની શારીરિક અને માનસિક સ્થિતિનું આકલન કરવામાં નિષ્ફળ રહ્યો છે. બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે મહારાષ્ટ્ર સરકારે અરજદાર અને તેની સગીર પુત્રીને સલામતી સાથે હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય લેવો જોઈએ. તપાસ માટે રચાયેલ મેડિકલ બોર્ડે પણ સગીરના જીવને જોખમમાં મૂક્યા વિના ગર્ભપાત કરાવી શકાય કે કેમ તે અંગે પોતાનો અભિપ્રાય આપવો જોઈએ.
મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (એમટીપી) એક્ટ હેઠળ કોઈપણ પરિણીત મહિલા, દુષ્કર્મ પીડિતા, દિવ્યાંગ મહિલા અને સગીર છોકરીને 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરવાની છૂટ છે. જો પ્રેગ્નન્સી 24 અઠવાડિયાથી વધુ હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાંથી ગર્ભપાતની પરવાનગી લેવી પડે છે. MTP એક્ટમાં ફેરફાર વર્ષ 2020માં કરવામાં આવ્યા હતા. તે પહેલા 1971માં બનેલો કાયદો લાગુ હતો.