મહાકાળી મંદિરમાં આભૂષણની ચોરીની ઘટના બાદ મંદિરનું કરાયું શુદ્ધિકરણ

November 08, 2024

પાવાગઢ: વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરી થઈ હતી. જેમાં મંદિરમાંથી છ હાર અને અન્ય ધાતુના બે મુગટ ચોરી થયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સીની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઘટના બાદ મંદિરના પૂજારી દ્વારા પાવાગઢના નિજ મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું.

પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બાદ મંદિર પ્રશાસન દ્વારા મોટો નિર્ણય લેવાયો. વેન્ટિલેશન બારીમાંથી ચોરી કરવા માટે આરોપીએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જેમાં પૂજારી સિવાય અન્ય કોઈ વ્યક્તિ ગર્ભગૃમાં ઘૂસ્યો હોવાથી મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સીની મદદથી વિદુર ચંદ્રસિંહ વસાવાની ધરપકડ કરવામાં આવી. જે મુળ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુરનો વતની છે. તેની પાસેથી 78 લાખની રકમના સોનાના છ હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ પણ જપ્ત કરાયા છે. આરોપીએ ચોરી કરેલો સામાન એક ટ્રકમાં સંતાડ્યો હતો તેવો ખુલાસો થયો છે. પોલીસ પુછપરછમાં આરોપીએ દાવો કર્યો છે કે તેણે પહેવાર જ ચોરી કરી છે.