પુતિન સાથે મિત્રતા વધારવા ટ્રમ્પે રશિયા પરથી 'દુશ્મન'નો ટેગ હટાવ્યો! મોસ્કો ખુશ, યુરોપમાં ફફડાટ

December 08, 2025

અમેરિકામાં સત્તા પરિવર્તન સાથે જ વૈશ્વિક રાજનીતિના સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની નવી 'રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના' જાહેર કરી છે, જેમાં રશિયાને હવે અમેરિકા માટે 'સીધો ખતરો' માનવામાં આવ્યું નથી. ટ્રમ્પના આ નિર્ણયથી મોસ્કોમાં ખુશીનો માહોલ છે, જ્યારે યુક્રેન અને યુરોપિયન દેશોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. વર્ષ 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ અમેરિકા સતત રશિયાને આક્રમક દેશ તરીકે જોતું આવ્યું હતું. જો કે, ટ્રમ્પની નવી વ્યૂહરચના 'ફ્લેક્સિબલ રિયલિઝમ'ના સિદ્ધાંત પર આધારિત છે. આ અંતર્ગત વોશિંગ્ટન હવે મોસ્કો સાથે ટકરાવ વધારવાને બદલે વ્યૂહાત્મક સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માંગે છે. ટ્રમ્પના આ વલણને પુતિન પ્રત્યેના તેમના 'સોફ્ટ કોર્નર' તરીકે જોવામાં આવી રહ્યું છે. રશિયા માટે સૌથી મોટા રાહતના સમાચાર નાટો (NATO) નીતિમાં ફેરફાર છે. ટ્રમ્પની નવી વ્યૂહરચના નાટોના સતત વિસ્તરણની પ્રક્રિયાને સમાપ્ત કરવાનું વચન આપે છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે જણાવ્યું હતું કે, 'અમેરિકા દ્વારા રશિયાને ખતરો ન ગણીને સહકારની વાત કરવી એ બરફ પીગળવા જેવું છે. નાટોના વિસ્તરણને રોકવાનો સંકેત સકારાત્મક છે.' જ્યારે રશિયા આનંદ મનાવી રહ્યું છે, ત્યારે યુરોપિયન દેશોમાં ગભરાટ છે. ટ્રમ્પની વ્યૂહરચનામાં ઉલ્લેખ છે કે યુરોપ હાલમાં 'સભ્યતાના પતન'ના જોખમનો સામનો કરી રહ્યું છે. યુરોપિયન દેશોને ડર છે કે ટ્રમ્પ હવે યુરોપની સુરક્ષાની જવાબદારીમાંથી પીછેહઠ કરી રહ્યા છે. ટ્રમ્પના વિરોધીઓ આને પુતિન સમક્ષ 'શરણાગતિ' ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે યુક્રેનનો નાશ કરનાર રશિયાને 'ખતરો' ન ગણવું એ વૈશ્વિક શાંતિ માટે અત્યંત જોખમી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરે છે કે, તેમની પ્રાથમિકતા યુક્રેન યુદ્ધનો અંત લાવવાની છે, અને તે રશિયા સાથે વાટાઘાટો કર્યા વગર શક્ય નથી. હાલની પરિસ્થિતિ જોતા લાગે છે કે વોશિંગ્ટન અને મોસ્કો વચ્ચેની મિત્રતા વધી રહી છે, જેની કિંમત કદાચ યુક્રેન અને યુરોપને ચૂકવવી પડી શકે છે.