ડ્રેગન પર વિફર્યા ટ્રમ્પ: ચીન પર ટેરિફ વધારીને 245 ટકા કરાયો, હવે શું કરશે જિનપિંગ?

April 16, 2025

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ સતત વણસી રહી છે. ચીને નમતું ન મૂકતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ડ્રેગન પર વિફર્યા છે. તેમણે ચીનમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર ટેરિફ 145 ટકાથી વધારી 245 ટકા કર્યો છે. આ પગલાં સાથે બંને દેશો વચ્ચે ચાલી રહેલો ટ્રેડવૉર ભયાવહ બન્યો છે. વ્હાઈટ હાઉસે ચીનની બદલાની ભાવનાને ધ્યાનમાં લેતાં ટેરિફ 100 ટકા વધારી 245 ટકા કર્યો હોવાની જાહેરાત કરી હતી. અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત સાથે જ ચીને સામે વળતો પ્રહાર કરવાનું શરૂ કર્યો હતો. અમેરિકા અને ચીન વારાફરતી એકબીજા પર ટેરિફનો દર વધારી રહ્યા છે. અગાઉ અમેરિકાએ ચીન પર 145 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, તો સામે ચીને અમેરિકા પર 125 ટકા ટેરિફ લાદ્યો હતો. વ્હાઈટ હાઉસે મંગળવારે ટેરિફ મામલે અમુક સ્પષ્ટતા રજૂ કરતાં જાહેરાત કરી હતી કે, ચીનની બદલાની ભાવનાને ધ્યાનમાં લેતાં હવે તેણે અમેરિકામાં આયાત માટે 245 ટકા ટેરિફ ચૂકવવો પડશે. ચીને અમેરિકાના ટેરિફ સામે હાલમાં જ નિકાસ પ્રતિબંધો અને સામા ટેરિફ લાદવાની કાર્યવાહી હાથ ધરી હતી.
વ્હાઈટ હાઉસે ચીન પર આરોપ મૂક્યો હતો કે, ચીને  લશ્કરી, એરોસ્પેસ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ ગેલિયમ, જર્મેનિયમ અને એન્ટિમોની સહિતના હાઈ ટેક મટિરિયલ્સની નિકાસ પર પ્રતિબંધો મૂક્યા હતાં. તેમજ ચીને રેર અર્થ મેગ્નેટ  તથા છ હેવી રેર અર્થ મેટલ્સની નિકાસ પણ અટકાવી હતી. જેનાથી વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન ખોરવાઈ છે. ટ્રમ્પની ચીન પ્રત્યે આકરા વલણને પગલે સમગ્ર વિશ્વની નજર બંને દેશો પર છે. જેમાં ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ વધારી 245 ટકા કરતાં ચીન હવે તેનો કેવો જવાબ આપે છે, તે જોવાનું રહેશે. ઉલ્લેખનીય છે, ચીનના વિદેશ મંત્રાલયે થોડા સમય પહેલાં જ જાહેરાત કરી હતી કે, તેઓ હવે ટેરિફમાં કોઈ ખાસ વૃદ્ધિ નહીં કરે, કારણકે 100 ટકાથી વધુ ટેરિફના ભારણ પર કોઈ દ્વિપક્ષીય વેપાર શક્ય નથી. અમેરિકાએ છેડેલા ટેરિફવૉરમાં માત્ર આંકડાઓ વધશે, પરંતુ ચીન હવે વેપારના અન્ય વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.