સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ કરવા માટે પૈસા ચૂકવ્યા મુદ્દે ટ્રમ્પ સામે કેસ ચાલશે, 15 એપ્રિલે સુનાવણી

March 26, 2024

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ કરવા માટે પૈસા ચૂકવવાના મામલામાં મુશ્કેલીઓ વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ વિરુદ્ધ કેસમાં ટ્રાયલની તારીખ નક્કી કરવામાં આવી છે. ન્યૂયોર્કના ન્યાયાધીશે આ કેસની સુનાવણી 15 એપ્રિલની તારીખ નક્કી કરી છે. ટ્રમ્પ સામે આ પહેલો અપરાધિક કેસ હશે.

સોમવારે સુનાવણી દરમિયાન ટ્રમ્પે જજને ટ્રાયલ મુલતવી રાખવા વિનંતી કરી હતી. જો કે, જજ જુઆન મર્ચને ટ્રમ્પની તમામ વિનંતીઓને ફગાવી દીધી હતી અને 15 એપ્રિલથી ટ્રાયલ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ વિરૂદ્ધ ટ્રાયલ સોમવારથી શરૂ થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગની ઓફિસ ટ્રાયલમાં વિલંબ કરવા માટે સંમત થઈ હતી.

અગાઉ, ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની ઓફિસે આ કેસમાં 100,000 થી વધુ પાનાના રેકોર્ડને જાહેર કર્યા હતા. આ પછી, કેસ સાથે સંકળાયેલા પક્ષકારોએ આરોપ લગાવ્યો કે શા માટે પહેલા દસ્તાવેજો આગળ લાવવામાં ન આવ્યા. સોમવારે સુનાવણી શરૂ કરવાને બદલે બંને પક્ષોએ દસ્તાવેજ વિવાદ ઉકેલવા માટે બેઠક બોલાવી હતી