ટ્રમ્પની ટેરિફ નીતિ: અમેરિકામાં કપડાંથી લઈને વાહનોના ભાવ વધશે, વૉલમાર્ટથી લઈને ફોર્ડે જુઓ શું કહ્યું

May 26, 2025

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ અમેરિકન્સ પર જ ભારે પડી રહી છે. ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના કારણે અમેરિકામાં વસતાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. કંપનીઓએ ટેરિફનો બોજો સીધો ગ્રાહકો પર નાખવાની જાહેરાત કરી છે. પરિણામે ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચવાની ભીતિ વધી છે. કપડાંથી માંડી વાહનોના ભાવ વધવાની ચીમકી કંપનીઓએ આપી છે. વોલમાર્ટ, ફોર્ડ, બેસ્ટ બાય, મેટલ, શીન અને ટેમુ જેવી મોટી કંપનીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ટેરિફનો ખર્ચ પોતે ઉઠાવશે નહીં. વોલમાર્ટે 15 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે, ચીનમાંથી આવતી પ્રોડક્ટ્સ પર ટ્રમ્પનો ટેરિફ ખૂબ વધુ હોવાથી કિંમતોમાં વધારો કરવો પડશે. મે મહિનાના અંતથી ભાવમાં વધારો લાગૂ થશે. જો ટેરિફ યથાવત રહ્યો તો જૂનમાં ભાવ વધુ વધી શકે છે. Mattelએ 6 મે, 2025ના રોજ જણાવ્યું હતું કે, અમારી 40-50 ટકા પ્રોડક્ટ્સ હાલ 20 ડૉલર કે તેનાથી ઓછા ભાવમાં ઉપલબ્ધ રહેશે. પરંતુ બાકીની પ્રોડક્ટ્સના ભાવ વધશે. ટ્રમ્પે Mattelને ચીમકી પણ આપી છે કે, તે તેના રમકડાં પર 100 ટકા ટેરિફ લાદશે. ઇલેક્ટ્રોનિક્સ રિટેલર બેસ્ટ બાયે જણાવ્યું હતું કે, સપ્લાયર્સ હવે ટેરિફનો ખર્ચ અમારા માથે નાખી રહ્યા છે, જેનો બોજો અમે ગ્રાહકો પર નાખીશું. કિંમતોમાં વધારો કરીશું. Sonyએ પણ ટેરિફનો બોજો ગ્રાહકો પર લાદવાની શક્યતા જણાવી હતી. આ ચીની કંપનીઓને અગાઉ $800થી ઓછી કિંમતની પ્રોડક્ટ્સ પર છૂટ મળતી હતી, જેને ટ્રમ્પે દૂર કરી હતી. જેથી આ કંપનીઓએ 25 એપ્રિલથી કિંમતોમાં વધારો કર્યો છે. ફોર્ડે વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ગાડીના ભાવ 1.5 ટકા સુધી વધારવાનો અંદાજ આપ્યો છે. જ્યારે સુબારૂએ પણ ભાવમાં વધારો કરવાની શક્યતા જણાવી છે. અમેરિકાની કાર મેકર્સ કારના ભાવમાં 2થી 3 ટકા સુધીનો વધારો કરી શકે છે.