દિલ્હી વિધાનસભામાં CAGના બે રિપોર્ટ રજૂ, લીકર પોલિસી અને શીશમહેલ કૌભાંડનો ખુલાસો

February 25, 2025

દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 22 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ CAGનો રિપોર્ટ રજૂ કર્યો છે. આજે CAGના 14માંથી બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં લિકર પોલિસી અને શીશમહેલ કૌભાંડ સંબંધિત માહિતી રજૂ થઈ છે.  દિલ્હી વિધાનસભાની કાર્યવાહી આજે મંગળવારે હોબાળા સાથે શરૂ થઈ હતી. ઉપરાજ્યપાલના અભિભાષણ વચ્ચે વિપક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. સ્પીકરે વિપક્ષ નેતા આતિશી સહિત હોબાળો કરનારા તમામ ધારાસભ્યોને બહાર જવા આદેશ આપ્યો હતો. તેમજ આજે દિવસ દરમિયાન તેમને સદનની કાર્યવાહીમાં ભાગ ન લેવાનું સૂચન આપ્યું છે. આજે સદનમાં રજૂ થનારા CAG રિપોર્ટના કારણે વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. ભારે હોબાળાના કારણે સ્પીકરે વિપક્ષ નેતા આતિશી અને AAPના 22 ધારાસભ્યોને સદનની બહારનો રસ્તો બતાવ્યો હતો. સદનની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો શરૂ કર્યો હતો. સદનની બહાર પણ વિપક્ષે સરકાર પર આક્ષેપબાજી કરી હતી. દિલ્હી વિધાનસભામાં આજે CAG રિપોર્ટ રજૂ થવાનો છે. આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટી પર મુખ્યમંત્રી આવાસ અને મોહલ્લા ક્લિનિક્સના રિનોવેશનમાં કથિત ગેરરીતિઓનો ઉલ્લેખ છે. CAG રિપોર્ટના કારણે દિલ્હીની ભાજપ સરકાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરવા તૈયાર છે.