યુક્રેનનું સમર્થન એટલે મહાત્મા ગાંધીજીના સિધ્ધાંતોનુ સમર્થન, ભારતની મુલાકાતે આવનારા યુક્રેનના વિદેશ મંત્રીનુ નિવેદન

March 26, 2024

કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુધ્ધમાં રશિયાનુ પલડુ થોડા સમયથી ભારે દેખાઈ રહ્યુ છે. યુક્રેનને હથિયારોનો સપ્લાય પણ પહેલાની જેમ મળી રહ્યો નથી. યુક્રેને આ યુધ્ધમાં ભારતનુ સમર્થન મેળવવા માટે પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા છે. જેના ભાગરૂપે યુક્રેનના વિદેશ મંત્રી દમયાત્રો કુલેબા યુધ્ધ શરૂ થયા પછી પહેલી વખત વર્તમાન સપ્તાહમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા કુલેબાએ ભારતીયોને હોળીની શુભેચ્છા આપતો એક સંદેશો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યુ હતુ કે, ખૂબસૂરત અને રંગોનો તહેવાર મનાવી રહેલા તમામ લોકોને હું શુભેચ્છા પાઠવુ છું. હું કીવમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સામે ઉભો છું અને પહેલી વખત ભારતની મુલાકાત લેવા જઈ રહ્યો છું. તેમણે પોતાના સંદેશામાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી અને પીએમ મોદી વચ્ચેની મુલાકાતનો પણ ઉલ્લેખ કરીને બંને દેશો વચ્ચે સબંધો મજબૂત કરવા પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, યુક્રેન અને ભારત દુનિયાના સૌથી મોટી લોકશાહી પૈકીના એક છે અને મને વિશ્વાસ છે કે બંને દેશો સારા મિત્રો બની શકે છે. કુલેબાએ કહ્યુ હતુ કે, યુક્રેનનુ સમર્થન કરવુ એ મહાત્મા ગાંધીજીની પરંપરાનુ સમર્થન કરવા સમાન છે. કુલેબાની મુલાકાત પહેલા તાજેતરમાં જ પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી અને વાતચીત થકી રશિયા અને યુક્રેનના સમાધાનનુ સમર્થન કર્યુ હતુ. એવુ મનાઈ રહ્યુ છે કે, કુલેબા ભારતની મુલાકાતે આવીને સ્વિત્ઝરલેન્ડમાં યોજાવા જઈ રહેલા શાંતિ શિખર સંમેલનમાં ભારતનુ સમર્થન માંગી શકે છે. જોકે ભારતે તેના પર કોઈ સંમતિ હજી સુધી આપી નથી. કુલેબા ભારતમાં વિદેશ મંત્રી એસ જયશંકરને મળવાના છે.