CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા

August 08, 2026

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ની કોર કમિટીની રચનાને લઈને વિવાદ સર્જાયો છે. અભિજીત દીપકેના ઘરની બહાર એકઠા થયેલા યુવાનોએ પાર્ટી નેતૃત્વ પર સગાવાદ અને પક્ષપાતનો આરોપ લગાવી ધરણાં કર્યા છે. તેમણે જંતર-મંતર વિદ્યાર્થી આંદોલન સાથે સંકળાયેલા તમામ સંયોજકોને પ્રતિનિધિત્વ આપવાની માંગ કરી છે.

વિરોધ કરી રહેલા યુવાનોના જણાવ્યા મુજબ તેઓ જંતર-મંતર વિદ્યાર્થી આંદોલનની શરૂઆતથી જ સક્રિય રહ્યા છે અને સંયોજકો તરીકે સેવા આપી છે. તેમનો આરોપ છે કે તાજેતરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં માત્ર અભિજીત દીપકેના નજીકના સાથીઓ અને પરિચિતોને સામેલ કરવામાં આવ્યા હતા, જ્યારે આંદોલન સાથે જોડાયેલા અનેક કાર્યકરોને બાજુ પર રાખવામાં આવ્યા હતા.

CJPના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તમામ સ્વયંસેવકો તેમજ આંદોલનમાં સામેલ દરેક રાજ્યના પ્રતિનિધિઓને કોઈપણ સગાવાદ કે પક્ષપાત વિના સામેલ કરવાનો નિર્ણય લેવામાં નહીં આવે અને નિર્ણયો લોકશાહી રીતે લેવાય તેની ખાતરી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન સમગ્ર રાષ્ટ્રનું બની શકશે નહીં. તેમણે કહ્યું હતું કે તેઓ હવે જવાબદારી સ્થાપિત કરવા માગે છે, જેથી ભવિષ્યમાં દેશ સાથે ફરી દગો ન થાય. ચળવળના નેતાઓ, તેમના પોતાના સહિત દરેકની જવાબદારી નક્કી કરવાની માંગ સાથે તેમણે પારદર્શક આંદોલનની માગ કરી છે.