લખનઉમાં પતિએ મજાકમાં વાંદરી કહેતા નારાજ મોડેલ પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું

January 30, 2026

રિક્ષા ચાલક રાહુલે પ્રેમ લગ્ન કર્યા હતા

લખનઉ- લખનઉના ઈન્દિરા નગરમાં દર્દનાક ઘટના સામે આવી છે. પતિએ મજાકમાં 'વાંદરી' કહેતા પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું છે. ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનારી તનુને મોડલિંગનો શોખ હતો. પરિવારજનોના દાવા પ્રમાણે મજાક મસ્તીમાં પતિ દ્વારા 'વાંદરી' કહી ટિપ્પણી કરવામાં આવી હતી. જેનાથી નારાજ થઈને તનુએ અંતિમ પગલું ભરી લીધું છે. પરિવાર જ્યારે રૂમમાં બોલાવવા ગયો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. બૂમરાડ છતાં દરવાજો ખોલવામાં ન આવતા બારીમાંથી જોયું તો, તનુ કપડાંના ફંદા પર લટકેલી હાલતમાં હતી. દરવાજો તોડી તેને નીચે ઉતારી હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં ફરજ પર હાજર ડોકટરોએ તેને મૃત ઘોષિત કરી હતી. 


તનુએ ચાર વર્ષ પહેલા ઈન્દિરા નગરમાં રહેતા રાહુલ શ્રીવાસ્તવ સાથે પ્રેમ લગ્ન રચ્યા હતા. બંનેની મુલાકાત એક મિત્ર મારફતે થઈ હતી, બંને પરિવારોની સંમતિ બાદ તેમના લગ્ન લેવાયા હતા. રાહુલ રિક્ષા ચાલક છે તે બંને છેલ્લા ચાર વર્ષોથી સાથે રહે છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, બુધવારે(28 જાન્યુઆરી)ના રોજ પરિવાર એક સીતાપુરમાં સંબંધીઓના ઘરેથી પરત ફરીને આવ્યો હતો. ઘરમાં લોકો મજાક મસ્તી કરી રહ્યા હતા. તે દરમિયાન રાહુલએ મજાક મજાકમાં પત્ની તનુને વાંદરી કહ્યું હતું. જેથી તે ખૂબ જ આઘાતમાં સરી પડી હતી. નારાજ થઈને રૂમમાં જતી રહી હતી. પરિવાજનોને લાગ્યું હતું કે ગુસ્સો થોડી વારમાં શાંત થઈ જશે પણ એક કલાક બાદ પણ પરત ન આવતા પરિવારજનોએ તેનો રૂમ થપથપાવ્યો હતો. પણ દરવાજો ન ખોલતા, પરિવારના સભ્યએ બારીમાંથી નજર કરી હતી. જેમાં તનુ ગળેફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ હતી. 

જ્યારે ઘટના બની ત્યારે ઘરમાં પત્ની તનુ, સાળી અંજલિ અને તેનો દીકરો અભય ઘરે હતો. મૃતકની બહેન અંજલિના જણાવ્યા મુજબ બુધવારે પરિવાર સીતાપુર એક સંબંધીના ઘરેથી પરત ફર્યો હતો. ઘરે પહોંચ્યા બાદ તમામ લોકો ઘરના હોલમાં બેસી વાત ચીત કરતાં હતા. એવામાં તનુના પતિ રાહુલે મજાકમાં તેને વાંદરી કહ્યું હતું. જેથી તે ગુસ્સાથી લાલચોળ થઈ પોતાના રૂમમાં ચાલી ગઈ હતી.
જે બાદ રાહુલ ખાવાનું લેવા બજારમાં ચાલ્યો ગયો હતો. થોડા સમય બાદ તે પરત આવ્યો ત્યારે સાળી અંજલિને તનુને બોલાવવા માટે કહ્યું હતું, પણ અજંલિ જ્યારે રૂમમાં ગઈ ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. ઘણા સમય સુધી અંજલિએ બહેન તનુને અવાજ લગાવ્યો હતો. પણ દરવાજો ન ખોલતા તેને નજીકની બારીમાંથી રૂમની અંદર નજર કરી હતી. જ્યાં તનુ કપડાંનો ફંદો બનાવી લટકેલી હાલતમાં જોવા મળી હતી. અંજલિએ ચીસાચીસ કરતાં રાહુલ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. દરવાજો તોડીને તેને નીચે ઉતારવામાં આવી હતી. નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તનુને મૃત ઘોષિત કરતાં રાહુલ સહિત પરિવારજનો પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો.