ઝારખંડમાં હોળીના સરઘસ દરમિયાન બે સમુદાય વચ્ચે હિંસક અથડામણ, આગચંપી-તોડફોડમાં અનેક ઈજાગ્રસ્ત

March 15, 2025

ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં હોળીના સરઘસ દરમિયાન બે સમુદાયો વચ્ચે થયેલી અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ઘણી દુકાનોને અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.  એવું કહેવામાં આવી રહ્યું છે કે હોળીના સરઘસ દરમિયાન લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો, ઓછામાં ઓછી ત્રણ દુકાનોને આગ લગાવી દીધી અને વાહનો પણ સળગાવી દીધા. પોલીસના જણાવ્યા અનુસાર, કોઈને ગંભીર ઈજા થઈ નથી અને સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. આ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'ગિરિડીહના ઘોડથંબામાં હોળીનું સરઘસ કાઢવામાં આવી હતી. આ દરમિયાન એક સમુદાયે હોળી સરઘસનો વિરોધ કર્યો હતો. આ પછી બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો અને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલ મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને  સ્થિતિ નિયંત્રણમાં છે. કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.' આ હિંસા બાબતે ગિરિડીહના એસપી ડૉ. બિમલે વિગતવાર માહિતી આપી છે. તેમણે કહ્યું કે, 'ઘોરથંબા ઓપી વિસ્તારમાં બે પક્ષો વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે… અમે હિંસા ફેલાવનાર લોકોની ઓળખ કરી રહ્યા છીએ. ઓળખ થયા બાદ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.'