સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22 ટકા અને ઝારખંડમાં 67.59 ટકા મતદાન

November 20, 2024

મહારાષ્ટ્રમાં આજે (20 નવેમ્બર, 2024) વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. આજે સવારે 7 વાગ્યાથી બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે અને 23મીએ પરિણામ જાહેર કરાશે. બીજી તરફ, ઝારખંડમાં આજે બીજા(અંતિમ) તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે થયેલા મતદાનના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે. જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22 ટકા અને ઝારખંડમાં (બીજો તબક્કો) 67.59 ટકા મતદાન થયું છે.

સલમાન ખાન બાદ હવે એક્ટર શાહરૂખ ખાન પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન બુથ પર પહોંચ્યો હતો. શાહરૂખ ખાને તેમના પત્ની ગૌરી ખાન, દીકરી સુહાના ખાન અને દીકરા આર્યન ખાન સાથે મતદાન કર્યું હતું.

ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. કરહલ, કુંદરકી, સીસામઉ, કટેહરી, ગાઝિયાબાદ, ખૈર, મઝવાં, મીરાપુર, ફૂલપુર આ નવ બેઠકો પર મતદાન થયું છે.

બોલીવૂડ એક્ટર સલમાન ખાનનો પરિવાર મતદાન કરી ચૂક્યો છે. હવે સલમાન ખાન મુંબઈના માઉન્ટ મેરી સ્કૂલ પોલિંગ બૂથ પર મત આપવા માટે પહોંચ્યા છે.

સલમાન ખાન હાઈ સિક્યોરિટી વચ્ચે મતદાન આપવા પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા સતત તેમને ધમકીઓ મળી રહી છે, જેના કારણે તેમની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.

સેફ અલી ખાન અને કરીના કપૂરે મતદાન કર્યું. પાવર કપલ વ્હાઇટ આઉટફિટમાં ટ્વિનિંગ કરતું જોવા મળ્યું. એક્ટ્રેસ વ્હાઇટ કૂર્તા-બ્લૂ જિન્સમાં નજરે પડી. જ્યારે સેફ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળ્યો. કરીનાની બહેન કરિશ્મા પણ મતદાન મથકે પહોંચી હતી.

યુપીમાં પેટાચૂંટણીમાં ભારે હોબાળો, પથ્થરમારો અને લાઠીચાર્જના કારણે ચૂંટણી પંચ એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પંચે યુપીમાં તૈનાત તમામ અધિકારીઓને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા કડક આદેશ આપ્યા છે. આટલું જ નહીં ચૂંટણી પંચે કહ્યું છે કે ક્યાંય પણ ગરબડ લાગે તો સોશિયલ મીડિયામાં ફરિયાદ કરવામાં આવે.

ચૂંટણી પંચે યુપીના અધિકારીઓને આદેશ આપ્યા છે કે કોઈ પણ વ્યક્તિને મત આપવાથી રોકવામાં ન આવે. પક્ષપાત કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કાનપુરમાં પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

બિટકોઇન કાંડ મામલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે, કે 'ભાજપ ગમે તેટલું જુઠ્ઠાણું ફેલાવે. સત્ય તો સામે આવીને જ રહેશે. લોકો મોટી સંખ્યામાં મતદાન કરે.'

વિનોદ તાવડે પર કેશ આપીને વોટ ખરીદવાના આરોપ લાગી રહ્યા છે. એવામાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે તેમનો બચાવ કરતાં કહ્યું છે, કે ઈકો સિસ્ટમનો ખોટો ઉપયોગ કરીને વિનોદ તાવડેને ફસાવવામાં આવી રહ્યા છે.

બિટકોઇન મામલે ભાજપે લગાવેલા ગંભીર આરોપ પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ જવાબ આપ્યો છે. નાનાએ કહ્યું છે, 'ઓડિયોમાં મારો અવાજ નથી. હું તો ખેડૂત છું. બિટકોઇન એટલે શું એ મને સમજાતું નથી. અમે ભાજપ નેતાઓ પર બદનક્ષીનો કેસ કરીશું.'

મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણેમાં મતદાન કર્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ મતદાન બાદ કહ્યું હતું, કે 'મહારાષ્ટ્રમાં પણ મહા વિકાસ આઘાડીની જ સરકાર બનશે. કોંગ્રેસને સૌથી વધુ મત મળવાના છે.'
યુપીની મીરાપુર તથા કુંદરકી વિધાનસભા બેઠક પર થઈ રહેલી પેટાચૂંટણીમાં પોલીસ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. આરોપ છે કે પોલીસ લોકોને મત આપવાથી રોકી રહી છે અને મતદાન કેન્દ્રથી ધક્કા મારીને કાઢવામાં આવી રહ્યા છે. જે બાદ ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના નેતાઓ તથા ફિલ્મી સિતારાઓની અપીલ બાદ પણ ખૂબ ઓછું મતદાન થઈ રહ્યું છે. સવારના નવ વાગ્યા સુધીમાં માત્ર 6.03% મતદાન થયું છે. બીજી તરફ ઝારખંડમાં સરેરાશ 12.71 ટકા મતદાન થયું છે.