સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણી લેબલ

July 16, 2025

તાજેતરમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર વોર્નિંગ લેબલ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. પરંતુ PIB ફેક્ટ ચેકે આ દાવાને તદ્દન ખોટો ગણાવ્યો છે. PIB ફેક્ટ ચેકે કહ્યું છે કે આ મીડિયા રિપોર્ટ્સ ભ્રામક, ખોટા અને પાયાવિહોણા છે.

ફેક્ટ ચેકમાં જણાવાયું છે કે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન વિક્રેતાઓને વેચાતી ખાદ્ય ઉત્પાદનો પર ચેતવણી લેબલ લગાવવાની સૂચના આપતી નથી. વિવિધ કાર્યસ્થળો જેમ કે લોબી, કેન્ટીન, કાફેટેરિયા, મીટિંગ રૂમ વગેરેમાં બોર્ડ લગાવવાની સલાહ આપવામાં આવી છે જેથી વિવિધ ખોરાકમાં હાજર વધારાની ચરબી અને ખાંડ ખાવાના હાનિકારક પરિણામો વિશે જાગૃતિ આવે.

એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્વાસ્થ્ય મંત્રાલયે સમોસા, જલેબી અને લાડુ જેવી તળેલી અને મીઠી વાનગીઓને લઈને એક નવી પહેલ શરૂ કરી છે. મંત્રાલયે AIIMS નાગપુરને કાફેટેરિયા અને સમોસા-જલેબીની દુકાનો પાસે ચેતવણી બોર્ડ લગાવવાનો નિર્દેશ આપ્યો છે. બોર્ડ પર આ ખોરાકમાં રહેલી શુગર અને ફેટ વિશે જાણકારી હશે, જેથી લોકો તેમના ખોરાકની સ્વાસ્થ્ય પર થતી અસરોથી વાકેફ થાય.