કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ

July 16, 2025

કર્ણાટક સરકારે મંગળવારે રાજ્યભરમાં ફિલ્મની ટિકિટના ભાવ નક્કી કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે આ સંદર્ભમાં એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યભરના તમામ સિનેમા હોલ અથવા મલ્ટિપ્લેક્સમાં ટિકિટનો ભાવ ₹ 200 થી વધુ ન હોઈ શકે. આ કિંમતમાં મનોરંજન કર પણ સામેલ કરવામાં આવશે. સિનેમાને વધુ સસ્તું બનાવવા માટે કર્ણાટક સરકારે, કર્ણાટક સિનેમા (વિનિયમન) નિયમ, 2014 માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે હેઠળ મનોરંજન કર સહિત સિનેમા ટિકિટની મહત્તમ કિંમત પ્રતિ શો 200 રૂપિયા નક્કી કરવામાં આવશે. આ કિંમત રાજ્યના તમામ ભાષાઓના સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ અને ફિલ્મો પર લાગુ થશે. કર્ણાટક સિનેમા (નિયમન) (સુધારા) નિયમો, 2025 હેઠળ ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશન 15 જુલાઈના રોજ બહાર પાડવામાં આવ્યું છે. તેમજ કર્ણાટક સરકારે પ્રજા, થિયેટર માલિક અને સંબંધિત પક્ષો પાસેથી આ મામલે પ્રસ્તાવ મોકલીને 15 દિવસમાં વાંધા અને સૂચન માગ્યા છે. ટિકિટના ભાવ નિયંત્રિત કરવા અંગે ચર્ચાઓ ઘણા વર્ષોથી ચાલી રહી છે, પરંતુ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 2025-26ના બજેટમાં આ અંગે વાત કરી હતી અને સ્પષ્ટપણે ₹200ની મર્યાદાનો ઉલ્લેખ કર્યો હતો. આ પગલાનો ઉદ્દેશ્ય ખાસ કરીને શહેરી મલ્ટિપ્લેક્સમાં ટિકિટના ભાવમાં વધારો અટકાવવા અને સમાજના તમામ વર્ગો માટે સિનેમાની સમાન પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકારે વર્ષ 2017-18ના બજેટમાં પર ફિલ્મની ટિકિટના ભાવ અંગે પ્રસ્તાવ મૂક્યો હતો અને 11 મે, 2018ના રોજ સરકારી આદેશ જારી કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટના સ્ટે બાદ તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આ નિયમ કર્ણાટકના તમામ જિલ્લાઓમાં એકસરખું લાગુ થશે, પછી ભલે તે બેંગલુરુ જેવું મહાનગર હોય કે નાના શહેરો અને નગરો. આ નિર્ણયથી દર્શકોને મોટી રાહત મળશે, ખાસ કરીને જેઓ મોંઘી ટિકિટોને કારણે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવાનું ટાળે છે. હવે સામાન્ય માણસ પણ ઓછી કિંમતે ફિલ્મોનો આનંદ માણી શકશે.