રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ, 5 અતિ-જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા

July 16, 2025

ભારે વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના વિવિધ માર્ગો અને પુલના મરામત-સમારકામની કામગીરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે રાજ્યના વિશાળ નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલની પણ ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી છે. 36 પુલને મરામતની જરૂરિયાત હોવાથી તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે, જ્યારે 5 પુલને સંપૂર્ણપણે બંધ કરાયા છે અને 4 પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અહેવાલ મુજબ, ગુજરાતમાં 17.92 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તારને આવરી લેતું આશરે 69,000 કિ.મી. લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક ઉપલબ્ધ છે. આ કેનાલ નેટવર્ક પરથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને ગામડાંના માર્ગોને જોડતા આશરે 2,110 જેટલા પુલ કાર્યરત છે. આ પુલની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા, સંભવિત ક્ષતિઓને અટકાવવા તેમજ પુલના આયુષ્યને લંબાવવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આ તમામ પુલનું વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ નિરીક્ષણ અભિયાનના તારણના આધારે, ટ્રાફિક માટે જોખમી જણાઈ આવેલા કુલ 05 પુલને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. પુલની વાહક અને ભાર ક્ષમતાના આધારે અન્ય 04 પુલને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 36 પુલને મરામતની જરૂરિયાત હોવાથી તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. જ્યારે, નર્મદા કેનાલ પર સ્થિત બાકીના 2,065 નાના-મોટા પુલની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત ક્ષેત્રીય કચેરીઓને સૂચના આપવામાં આવી છે.