AAPના ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા, વિસાવદર બેઠકથી જીત્યા હતા પેટાચૂંટણી

July 16, 2025

ગુજરાતમાં 19 જૂન ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા. જેમાંથી ગોપાલ ઈટાલિયાએ બુધવારે (16 જુલાઈ) ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષે ઈટાલિયાને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા. કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી. વિસાવદર બેઠકની ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,554 મતોના માર્જિનથી હરાવીને વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ગુજરાત વિધાનસભામાં AAPની ધારાસભ્યોની સંખ્યા ફરીથી પાંચ થઈ ગઈ છે. 1- ગોપાલ ઈટાલિયા, વિસાવદર,  2- ચૈતર વસાવા, ડેડિયાપાડા, 3- સુદિપ કુમાર રમેશચંદ્ર કિકાણી, લાઠી, 4- હેમંત ખવા, જામજોધપુર, 5- ઉમેશ મકવાણા, બોટાદ ( AAPમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે)  મહત્વનું છે કે, બોટાદથી AAPમાંથી ચૂંટાયેલા ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તેમને AAP દ્વારા પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે AAP પછાત સમુદાયોના નેતાઓ અને કાર્યકરોને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં નિષ્ફળ રહી છે. એટલે કે ઉમેશ મકવાણા હજુ પણ બોટાદના ધારાસભ્ય છે, પરંતુ તેમને AAP માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.