'અમે ચીન સાથે ખુબ સારો વેપાર કરાર કરવા જઈ રહ્યા છીએ', ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન

April 18, 2025

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે ટેરિફ વિવાદ પર નમતુ જોખ્યું છે. તેમણે ગુરૂવારે કહ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે, તેઓ ચીન સાથે વેપાર પર ખુબ સારી સમજૂતી કરી શકે છે. ગત મહિનાથી ટેરિફ વિવાદ પર ચીન અને અમેરિકા આમને-સામને છે. અમેરિકાએ ચીન પર 245 ટકાનો ટેરિફ લગાવ્યો છે, પરંતુ હવે ટ્રમ્પનું વલણ નરમ પડતું જોવા મળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સામે બેઠા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે, અમે ચીન સાથે ખુબ સારો કરાર કરવા જઈ રહ્યા છે.

ટ્રમ્પના વહીવટીતંત્રએ ચીની આયતો પર 245 ટકા સુધી વ્યાપક નવા ટેરિફની જાહેરાત કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે, 75થી વધુ દેશ પહેલાથી જ નવા ટેરિફ કરારો પર ચર્ચા કરવા માટે સંપર્ક કરી રહ્યા છે. પરિણામે જવાબી કાર્યવાહી કરનારા ચીનને બાદ બાકીના દેશો પરનો ટેરિફ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.

આ અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર લાદવામાં આવેલા 245 ટકા ટેરિફનો ચીને સણસણતો જવાબ આપ્યો હતો. ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય પર કટાક્ષ કરતાં ચીને કહ્યું હતું કે, 'હવે અમે ટેરિફ પર ધ્યાન કેન્દ્રીત કરીશું નહીં. ચીનની આયાત પર લાદવામાં આવેલો ટ્રમ્પનો ટેરિફ હવે તર્કસંગત નથી અને હવે તેનાથી બહુ ફરક પડતો નથી. ચીન આ ટ્રેડવૉરમાં સામેલ થવા માગતું નથી.'

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટેરિફ મામલે ચીનનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, 'અમેરિકા દ્વારા તેના પર લાદવામાં આવેલા ટેરિફ હવે ફક્ત આંકડાઓનો ખેલ બની ગયો છે. આ ટેરિફનો કોઈ આર્થિક પ્રભાવ પડશે નહીં. બીજી તરફ, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકા ટેરિફનો ઉપયોગ બીજાઓને ડરાવવા-ધમકાવવા માટે હથિયાર તરીકે કેવી રીતે કરે છે.'

ચીન અને અમેરિકાનો ટ્રેડવૉર 2 એપ્રિલથી શરુ થઈ છે. બીજી એપ્રિલે અમેરિકાએ ચીન પર 34 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જેના જવાબમાં ચીને પણ 34 ટકા ટેરિફ લાદ્યો હતો. ચીનના વળતા પ્રહારને ધ્યાનમાં લેતાં અમેરિકાએ ટેરિફ વધારી 104 ટકા કર્યો હતો. તો સામે ચીને પણ ટેરિફ 50 ટકા ટેરિફ વધારી 84 ટકા કર્યો હતો. બાદમાં અમેરિકાએ 145 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. સામે ચીને પણ 125 ટકા ટેરિફ લાદ્યો હતો. અમેરિકાએ આટલેથી ન અટકતાં ગઈકાલે ચીન પર 100 ટકા ટેરિફ વધાર્યો હતો. હવે અમેરિકા ચીનની આયાત પર 245 ટકા ટેરિફ વસૂલશે.