એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટળી મોટી દુર્ઘટના, પાયલટે રનવે પર જ હાઈ સ્પીડ પ્લેનને ટેક ઓફ પહેલા રોક્યું

July 22, 2025

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર દોડતી એક ફ્લાઈટમાં સોમવારે એટલે કે 21 જુલાઈના રોજ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટે બહાદુરી અને સમજદારીપૂર્વક ટેકઓફ કરતા પહેલા લગભગ 155 કિલોમીટરની ઝડપે દોડતા વિમાનને રોકી દીધું હતું.

આ પછી ફ્લાઈટમાં બેઠેલા મુસાફરો અને એરપોર્ટ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેકઓફ થયાની થોડીક સેકન્ડમાં જ પાઈલટને ટેકનિકલ ખામી વિશે ખબર પડી ગઈ હતી. આ પછી પાયલોટે ટેકઓફ કરતા પહેલા વિમાનને રોકી દીધું હતું. આ પછી એરપોર્ટ પર તપાસ કર્યા પછી એર ઈન્ડિયાની ફ્લાઇટ 2403 રદ્દ કરવામાં આવી હતી.

સોમવારે દિલ્હીથી કોલકાતા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2403 રનવે પર દોડી રહી હતી. ત્યારબાદ પાઈલટને ફ્લાઈટમાં ટેકનિકલ ખામી લાગી. આને લઈને પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 155 કિમીની ઝડપે દોડતી ફ્લાઈટને રોકી દીધી. સૂત્રોના જણાવ્યા મુજબ પાયલોટે જોખમ લઈને આ પગલું ભર્યું હતું.