ખાટુ શ્યામથી દર્શન કરીને આવી રહ્યા હતા શ્રદ્ધાળુઓ, 2 કાર ટકરાઇ, 5ના મોત

July 22, 2025

રાજસ્થાનના બિકાનેરમાં મંગળવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો.શ્રી ડુંગરગઢ વિસ્તારમાં બે કાર વચ્ચે અથડામણ થઇ જેમાં 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. નેશનલ હાઇવે 11 પર આ ઘટના બની. જેમાં બંને વાહનોના કૂરચેકૂરચા ઉડી ગયા.

પ્રાથમિક માહિતી મુજબ બંને કારના મળીને કુલ 5 લોકોના મોત થયા. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. એક કારમાં 4 શ્રદ્ધાળુઓ ખાટુ શ્યામથી દર્શન કરીને પરત આવી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જીવ ગુમાવનારા બિકાનેરના રહેનારા હતા. કારમાં એટલી જોરદાર ટક્કર વાગી કે 2 લોકો તો કારના કાચ તૂટી જતા બહાર રસ્તા પર આવી પડ્યા હતા. મૃતદેહને કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

એક કારમાં સવાર લોકો ખાટુ શ્યામના દર્શન કરીને બિકાનેર પરત ફરી રહ્યા હતા જ્યારે બીજી કારના લોકો બિગ્ગાના રહેનારા હતા. બંને કારમાં કુલ 9 લોકો હતા. જેમાં કરણ, દિનેશ, મદન અને સુરેન્દ્રના તો ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. એક ઇજાગ્રસ્તને બિકાનેર હોસ્પિટલ લઇ જતી વખતે જ મોત થયું. ઘટનાને પગલે લગભગ 2 કલાકનો ટ્રાફિક જામ સર્જાયો હતો.