'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા

September 29, 2026

 દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન એટલે કે DUSU ચૂંટણીમાં NSUIના નબળા પરિણામ બાદ કોંગ્રેસે સંગઠનની અંદર સમીક્ષા શરૂ કરી છે. સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ NSUI પ્રભારી કન્હૈયા કુમાર અને રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડ સાથે બેઠક કરી હતી. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ પણ બેઠકમાં હાજર હતા. અહેવાલો મુજબ બેઠકમાં ચૂંટણીના પરિણામ, ઉમેદવારની પસંદગી અને પ્રચારની રણનીતિ અંગે ચર્ચા થઈ હતી. સૂત્રોના હવાલાથી સામે આવેલી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ કન્હૈયા કુમાર અને વિનોદ જાખડ પાસેથી NSUIના પ્રદર્શન અંગે સ્પષ્ટતા માગી હતી. તેમણે ખાસ કરીને સવાલ કર્યો હતો કે NSUI અધ્યક્ષ પદની ચૂંટણીમાં જીતની નજીક હતી, તો આખરે પરિણામ આટલું અલગ કેમ આવ્યું? રાહુલ ગાંધીએ ચૂંટણી મેનેજમેન્ટ, ઉમેદવારની પસંદગી અને કેમ્પેઇન અંગે પણ સવાલો કર્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. વેણુગોપાલે પણ ટિકિટ વિતરણની પ્રક્રિયા અંગે કન્હૈયા કુમારને સવાલો કર્યા હતા. બેઠકમાં સૌથી વધુ ચર્ચાયેલો મુદ્દો દીપાંશુ શોકીનનો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. શોકીન અગાઉ NSUI સાથે જોડાયેલા હતા અને 2023 તથા 2024ની ચૂંટણીમાં સંગઠન માટે કેમ્પેઇન કરી ચૂક્યા હતા. 2026ની DUSU ચૂંટણીમાં તેઓ NSUIની ટિકિટ પર નહીં પરંતુ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા અને વાઇસ પ્રેસિડેન્ટ પદ જીતી ગયા. શોકીને 30,615 મત મેળવ્યા હતા, જ્યારે NSUIના ઉમેદવાર વીર છત્રથે 4,313 મત મેળવ્યા હતા.સુત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે શોકીનને સંગઠન સાથે કેમ રાખી શકાયા નહીં. કન્હૈયા કુમાર અને વિનોદ જાખડે શોકીન દ્વારા મૂકવામાં આવેલી કેટલીક શરતોને કારણ ગણાવી હોવાનું કહેવાય છે. જોકે, કોંગ્રેસ નેતા અમિતાભ દુબેએ આ અંગે અલગ દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે શોકીનને અધ્યક્ષ પદની ટિકિટ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકારી નહોતી અને બાદમાં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.