'દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું....' મરાઠી-હિન્દી વિવાદ વચ્ચે ભાજપ નેતાને ઠાકરેની ધમકી

July 19, 2025

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના વડા રાજ ઠાકરે અને ભાજપના સાંસદ નિશિકાંત દુબે વચ્ચે મહારાષ્ટ્રમાં હિન્દી ભાષીઓને નિશાન બનાવવાના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. દુબેના 'પછાડી-પછાડીને મારીશું'ના જવાબમાં, રાજ ઠાકરેએ કહ્યું કે તેઓ 'ડૂબાડી-ડૂબાડીને' મારવાની વાત કરી છે. હવે ફરી એકવાર બધાની નજર નિશિકાંત દુબે પર હતી ત્યારે તેમણે કટાક્ષ કરીને કહ્યું કે, રાજ ઠાકરેને હિન્દી શીખવાડી દીધી.  છેલ્લાં ઘણા દિવસો પહેલાં, મરાઠી ન બોલવા બદલ એક દુકાનદારને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ, દુબેએ મનસેના વડા રાજ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ પર નિશાન સાધતાં કથિત રીતે કહ્યું હતું કે, 'પછાડી પછાડીને મારીશું.' તેમના આ નિવેદનથી વિવાદ થયો હતો. ગોડ્ડાના સાંસદે કહ્યું હતું કે, 'જો મુંબઈમાં હિન્દીભાષી લોકોને માર મારનારાઓમાં હિંમત હોય, તો મહારાષ્ટ્રમાં ઉર્દૂભાષી લોકોને, તમિલ અને તેલુગુ લોકોને મારીને બતાવો. જો તમે બહુ મોટા બોસ છો, ચાલો બિહાર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ તમને પછાડી-પછાડીને મારીશું.' જોકે, ત્યારબાદ શુક્રવારે રાત્રે એક જાહેર સભામાં મનસેના વડાએ ભાજપના સાંસદ નિશિકાંત દુબેને જવાબ આપ્યો અને તેમને મુંબઈ આવવાનો પડકાર ફેંક્યો. નિશિકાંત દુબેના નિવેદનનો ઉલ્લેખ કરતાં રાજ ઠાકરેએ કહ્યું કે, 'ભાજપના એક સાંસદે કહ્યું હતું કે મરાઠી લોકોને અમે પછાડી-પછાડીને મારીશું. દુબે તમે મુંબઈ આવી જાવ. મુંબઈના દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું.' નોંધનીય છે કે, રાજ ઠાકરેએ આ વાત હિન્દીમાં કહી હતી. હવે નિશિકાંત દુબેએ આ અંગે જોરદાર કટાક્ષ કર્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર રાજ ઠાકરેનો વીડિયો શેર કર્યો અને લખ્યું, 'મેં રાજ ઠાકરેને હિન્દી શીખવાડી દીધું?' હકીકતમાં, મનસેનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં રહેતાં લોકોએ ફક્ત મરાઠીમાં જ વાત કરવી જોઈએ. ઘણાં હિન્દી ભાષી લોકોને માર માર્યાની ઘટના સામે આવ્યા બાદ, આ મામલાએ વધુ વેગ પકડ્યો અને હવે દુબેએ હિન્દી બોલવા બદલ રાજ ઠાકરે પર કટાક્ષ કર્યો.